બિહારમાં શું બની કરૂણ ઘટના ? કોના મોત થયા ? વાંચો
બિહારના હાજીપુરમાં સોમવારે જળાભિષેક કરવા જતાં કાવડિયાઓનું ડીજે લગાવેલું વાહન હાઇટેન્શન તારની લપેટમાં આવી જતાં 10 કાવડિયા ગંભીર રીતે દાઝી ગયા બાદ મૃત્યુ પામ્યા હતા. આ ઘટના માટે ગામના લોકોએ વીજળી વિભાગ પર બેદરકારીનો આરોપ મૂક્યો હતો અને જ્યારે એસડીએમ તથા પોલીસ અધિકારી ઘટનાસ્થળે પહોંચ્યા તો ગ્રામીણોએ જોરદાર હોબાળો મચાવ્યો હતો.
આ ઘટના હાજીપુર ઈન્ડસ્ટ્રિયલ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા સુલતાનપુર ખાતે બની હતી. જ્યાં શ્રાવણ મહિનામાં ગામના છોકરા દર સોમવારે નજીકમાં આવેલા હરિહરનાથ મંદિરમાં જળાભિષેક કરવા જતા હતા. રવિવારે રાતે પણ તેઓ જળાભિષેક કરવા ડીજે લઈને નીકળ્યા હતા. ટ્રેક્ટર ટ્રોલી પર વધારે ઊંચાઈ સુધી આ ડીજેનું સેટઅપ જમાવ્યું હતું. જે હાઈટેન્શન વાયરની લપેટમાં આવતા આ હોનારત સર્જાઈ હતી.
આ ગામમાં રોડ રસ્તાની હાલત એટલી હદે બિસ્માર હતી કે જેના લીધે ટ્રેક્ટર ટ્રોલી રોડ પરથી પસાર થઇ રહી હતી ત્યારે હાઈટેન્શન તારને સ્પર્શી ગઈ હતી. જેના કારણે કરંટ ફેલાયો અને તેના પર હાજર કાવડિયાઓ કરંટની લપેટમાં આવી ગયા. જેના લીધે 10 લોકો તો ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા હતા.