ખાવું શું? ઘી, શિખંડ, મિઠાઈ, પનીર બધામાં ભેળસેળ, રાજકોટમાં ફૂડ શાખાએ લીધેલા 7 નમૂના ફેઇલ જતાં ત્રણ લાખનો દંડ
રાજકોટ ખાણીપીણીનું ખૂબ જ શોખીન શહેર છે એટલા માટે જ રેંકડી હોય કે મોટી રેસ્ટોરન્ટ દરરોજ ત્યાં ભીડ જોવા મળતી જ રહે છે. આ જ વસ્તુનો લાભ લઈ અમુક નફાખોર ધંધાર્થીઓ ખાદ્યપદાર્થમાં ભેળસેળ કરીને ગ્રાહકોને ધાબડી દેતાં હોવાથી લોકો માંદા પડી રહ્યા છે. આવા જ ખાદ્યપદાર્થના સાત નમૂના મહાપાલિકાની ફૂડ શાખાએ મહિનાઓ પહેલાં લીધા હતા જેમાં ભેળસેળ હોવાનું ખુલતાં સાત પેઢીના સંચાલકને ત્રણ લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો.
ફૂડ શાખા દ્વારા વાણિયાવાડી પાસે ગાયત્રીનગર શેરી નં.4/10ના ખૂણે આવેલી સિયારામ વિજય પટેલ આઈસ્ક્રીમ એન્ડ ડેરીમાંથી શુદ્ધ ઘીનો નમૂનો લીધો હતો જેમાં ભેળસેળ ખુલતા પેઢીના સંચાલક અંબાલાલ ગિરધરભાઈ સાકરિયાને 1.80 લાખનો દંડ ફટકારાયો હતો. આ ઉપરાંત મહાદેવવાડી મેઈન રોડ પર શિવ હોટેલ નજીક શ્રદ્ધાં ગુલાબ જાંબુમાંથી લેવાયેલા મોળા માવામાં ભેળસેળ ખુલતા પેઢી સંચાલક રૂપેશ દિનેભાઈ પરમારને 50,00નો દંડ કરાયો હતો.
આ પણ વાંચો :જેનું ક્યારેય પાલન થયું નથી તેવું સંક્રાત માટેનું રાજકોટ પોલીસનું ‘ચવાયેલુ’ જાહેરનામું પ્રસિદ્ધ : તુક્કલ ઉડાડવા પર પ્રતિબંધ
મવડી ગામે પ્રાઈમ બિલ્ડિંગ પાછળ આવેલી ખોડિયાર ડેરીમાંથી કેસર શિખંડનો નમૂનામાં ભેળસેળ ખુલતા પેઢીના માલિક વિજય મગનભાઈ ઘાડિયાને 20,000, નવા થોરાળા શેરી નં.4/6ના ખુણે નિલેશ ડેરી ફાર્મમાંથી ચોકલેટ મોદકનો નમૂનો ફેઈલ જતાં પેઢી સંચાલક પ્રદીપ મનસુખભાઈ સોજીત્રા અને પેઢી માલિક મનસુખ મોહનલાલ સોજીત્રાને 20 હજાર, લાખના બંગલા રોડ પર આવેલા વિશાલ ચાઈનીઝ પંજાબીના પનીરમાં ભેળસેળ ખુલતા પેઢી માલિક ગોપાલ દલબહાદુર થાપાને 10,000નો દંડ ફટકારવામાં આવ્યો હતો.
જ્યારે રૈયાધારમાં સન સિટી હેવન સી-વિંગ 101માંથી શુદ્ધ ઘીના નમૂનામાં ભેળસેળ ખુલતા ધંધાના માલિક કેવલ જયેશભાઈ ખખ્ખરને 10,000 અને પેડક રોડ પર મનહર સોસાયટી-1ના ખૂણે હરેરામ હરેકૃષ્ણ ડેરીમાંથી લેવાયેલા શુદ્ધ ઘીના નમૂનામાં ભેળસેળ જણાતા પેઢી માલિક મનસુખ ભવાનભાઈ ગોંડલિયાને 10,000 દંડ કરવામાં આવ્યો હતો.
