અદાણી જુથને ફરી શું લાગ્યો ઝટકો ? આંધ્ર સરકાર શું કરશે ? વાંચો
અદાણી જુથ સામે લાંચ આપવા અંગેનો આરોપ મુકાયા બાદ હવે જુથ માટે સ્થિતિ બગડી રહી છે. હવે આંધ્ર પ્રદેશ પણ અદાણી જુથ સાથેનો કોન્ટ્રાક્ટ કેન્સલ કરશે તેવા અહેવાલો બહાર આવ્યા હતા. અદાણી જુથ સાથેનો પાવર સપ્લાય કોન્ટ્રાક્ટ રદ થઈ જશે તેવી વાત બહાર આવી છે.
આ પગલું ભરવા માટે આંધ્ર સરકાર ફાઈલોની સમીક્ષા કરી રહી છે. રોઇટર દ્વારા મંગળવારે આ મુજબની જાણકારી આપવામાં આવી હતી. આંધ્રના નાણામંત્રી કેશવે મીડિયાને એમ કહ્યું હતું કે પાછલી સરકારના બધા જ વહીવટ અને ઇન્ટરનલ ફાઈલોની તપાસ કરવામાં આવી રહી છે.
એમણે એમ પણ કહ્યું હતું કે હવે આગળ શું કરી શકાય છે તે વિષે અમે વિચારણા કરશું અને બધી હકીકતો એકત્ર કરવામાં આવી રહી છે. કોન્ટ્રાક્ટ કેન્સલ કરવાની સંભાવના છે કે નહીં તે બારામાં ચકાસણી કરવામાં આવશે. બધી જ જરૂરી વિગતો મેળવાઈ રહી છે.
જો કે આ અહેવાલ અંગે હજુ સુધી અદાણી જુથ દ્વારા કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી પણ એક વાત સ્પષ્ટ છે કે અમેરિકામાં આરોપો મુકાયા બાદ અદાણી જુથ માટે મુશ્કેલી વધી રહી છે.