ટેલિકોમ કંપનીઓને શું મળી રાહત ? વાંચો
સુપ્રીમ કોર્ટે ટેલિકોમ કંપનીઓને મંગળવારે મોટી રાહત આપી દીધી હતી. જેનો સીધો લાભ આર્થિક કટકોટીનો સામનો કરતી વોડફોન આઈડિયા, ભારતી એરટેલ, રિલાયન્સ જિઓ, બીએસએનએલ સહિતની કંપનીઓને થશે. આ મામલો ઘણા લાંબા સમયથી ચાલી રહ્યો હતો.
સુપ્રીમ કોર્ટે ટેલિકોમ કંપનીઓને કહ્યું છે કે, કંપનીઓએ બાકી ઈનકમ ટેક્સ પર વ્યાજ ચૂકવવુ પડશે નહીં. આ પગલાંથી ટેલિકોમ કંપનીઓને રૂ. 2000થી 3000 કરોડ સુધીનો લાભ થશે. અગાઉ ઓક્ટોબર, 2023માં સુપ્રીમ કોર્ટે રેવેન્યૂ ખર્ચમાં સામેલ લાયસન્સ ફીને મૂડી ખર્ચ કેટેગરીમાં વર્ગીકૃત કરી હતી. આ રાહત જૂની બાકી એજીઆરમાં લાગૂ થશે નહીં.
અગાઉ નેશનલ ટેલિકોમ પોલિસી 1999 અંતર્ગત ટેલિકોમ કંપનીઓને તેમના વાર્ષિક ટર્નઓવર આધારિત લાયસન્સ ફી ચૂકવવા વન-ટાઈમ એન્ટ્રી ફી ચૂકવવી પડતી હતી. જેને ધ્યાનમાં રાખી આ ચૂકવણીને મૂડી ખર્ચમાં વર્ગીકૃત કરવામાં આવી હતી. જેનાથી કંપનીઓની ટેક્સ જવાબદારી અને વ્યાજ બંનેમાં વધારો થયો હતો.
જો કે, સુપ્રીમ કોર્ટે હાલ નિર્ણય લીધો છે કે, વાર્ષિક વેરિએબલ લાયસન્સ ફીને પુનઃવર્ગીકૃત કરી શકાશે નહીં. જેનો વિરોધ કરતાં ટેલિકોમ કંપનીઓએ દલીલ કરી હતી કે, જૂનો નિર્ણય લાગૂ કરવાથી ટેક્સેબલ આવકમાં વધારો થશે. તેમજ જે અમને 20 વર્ષ જૂના સ્થાને લઈ જશે. જેથી આ મામલે પુનઃ વિચારણા કરતી પિટિશન ફાઈલ કરી હતી.