રાજકારણના અપરાધીકરણ અંગે સુપ્રીમ કોર્ટે કેવો સવાલ કર્યો ? જુઓ
રાજકારણના અપરાધીકરણને એક મુખ્ય મુદ્દો ગણાવતા, સુપ્રીમ કોર્ટે એવો અણીદાર પ્રશ્ન કર્યો હતો કે ફોજદારી કેસમાં દોષિત ઠર્યા પછી વ્યક્તિ સંસદમાં કેવી રીતે પાછા ફરી શકે છે. અદાલતે સવાલ કર્યો હતો કે સરકારી કર્મી ભ્રષ્ટ સાબિત થાય તો નોકરી ના કરી શકે તો અપરાધી ઠર્યા બાદ વ્યક્તિ મંત્રી કેવી રીતે બની જાય છે ? સાથે અદાલતે આ મામલાને વિચાર માટે લાર્જર બેચને મોકલવાનો નિર્દેશ આપ્યો હતો તેમજ કેન્દ્ર અને ચુંટણી પંચનો જવાબ પણ માંગ્યો છે .

ન્યાયાધીશ દીપાંકર દત્તા અને ન્યાયાધીશ મનમોહનની બનેલી બેન્ચે આ મુદ્દા પર એટર્ની જનરલ પાસેથી મદદ માંગી હતી. બેન્ચ એડવોકેટ અશ્વિની ઉપાધ્યાય દ્વારા દાખલ કરાયેલી પીઆઈએલ પર સુનાવણી કરી રહી હતી, જેમાં દેશમાં સાંસદો અને ધારાસભ્યો સામેના ફોજદારી કેસોનો ઝડપી નિકાલ લાવવા ઉપરાંત દોષિત રાજકારણીઓ પર આજીવન પ્રતિબંધ લાદવાની માંગ કરવામાં આવી હતી.
કોર્ટે લોકપ્રતિનિધિત્વ અધિનિયમની કલમ 8 અને 9 ની બંધારણીય માન્યતાને પડકારવા પર કેન્દ્ર અને ચૂંટણી પંચ પાસેથી ત્રણ અઠવાડિયામાં જવાબ માંગ્યો છે. કોર્ટે કહ્યું, ‘એકવાર તેમને દોષિત ઠેરવવામાં આવે અને સજા યથાવત રાખવામાં આવે… તો લોકો સંસદ અને વિધાનસભામાં પાછા કેવી રીતે આવી શકે?’ તેમણે આનો જવાબ આપવો પડશે. આમાં હિતોનો સ્પષ્ટ સંઘર્ષ પણ છે.
બેન્ચે એમ પણ પૂછ્યું કે આપણે લોક પ્રતિનિધિત્વ અધિનિયમની કલમ 8 અને 9 થી વાકેફ રહેવું જોઈએ. જો કોઈ સરકારી કર્મચારી ભ્રષ્ટાચાર અથવા રાજ્ય પ્રત્યેની બેવફાઈનો દોષિત ઠરે છે, તો તેને એક વ્યક્તિ તરીકે પણ સેવા માટે યોગ્ય ગણવામાં આવતો નથી, પરંતુ અપરાધી ઠર્યા બાદ વ્યક્તિ મંત્રી કેવી રીતે બની શકે?