દેશમાં શું થઈ પ્રગતિ ? જુઓ
- શેના આંકડા જાહેર થયા ?
કેન્દ્ર સરકારની દેશમાં બેરોજગારી ઘટાડવા માટેની કવાયત સારા પરિણામ આપી રહી છે અને આ માટેના પગલાંની ધારી અસર જોવા મળી રહૈ છે. સોમવારે જાહેર કરાયેલા સરકારી આંકડાઓમાંથી મળતી માહિતી મુજબ દેશમાં બેરોજગારીનો દર ઘટ્યો છે. ઓક્ટોબર-ડિસેમ્બર, 2023 દરમિયાન દેશના શહેરી વિસ્તારોમાં 15 વર્ષ અને તેથી વધુ વયના લોકોમાં બેરોજગારીનો દર ઘટીને 6.5 ટકા થયો હતો. ગયા વર્ષે આ સમયગાળામાં બેરોજગારીનો દર 7.2 ટકા હતો.
સમયાંતરે શ્રમ દળના ડેટાના મહત્વને ધ્યાનમાં રાખીને, NSSO એ એપ્રિલ, 2017માં સામયિક લેબર ફોર્સ સર્વે શરૂ કર્યો હતો. દેશમાં કોવિડ લોકડાઉનને કારણે એપ્રિલ-જૂન 2020 ક્વાર્ટરમાં એકંદરે બેરોજગારીનો દર 20.9 ટકાની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો. આનાથી દેશભરમાં રોજગારીની તકો અંગે ચિંતા સર્જાઈ હતી. જયારે PLFSના ત્રિમાસિક બુલેટિન મુજબ પુરુષો માટે બેરોજગારીનો દર ઓક્ટોબર-ડિસેમ્બર, 2022માં 6.5 ટકાથી ઘટીને ઓક્ટોબર-ડિસેમ્બર, 2023માં 5.8 ટકા થયો છે.
આ જ સમયગાળામાં મહિલાઓ માટે બેરોજગારીનો દર 9.6 ટકાથી ઘટીને 8.6 ટકા થયો છે. સર્વેમાં વધુમાં જણાવાયું છે કે ઓક્ટોબર-ડિસેમ્બર, 2023માં શહેરી વિસ્તારોમાં 15 વર્ષ અને તેથી વધુ વયના વ્યક્તિઓ માટે વર્કર પોપ્યુલેશન રેશિયો (WPR) વધીને 46.6 ટકા થયો છે. ઓક્ટોબર-ડિસેમ્બર, 2022માં તે 44.7 ટકા હતો.
હજુ પણ સરકાર આગામી બજેટમાં બેરોજગારી ઘટાડવા અને લોકોને વધુ આર્થિક મદદ કરવા માટેના પગલાં જાહેર કરશે તેવી જાહેરાત નાણામંત્રીએ કરી હતી. દેશની સૌથી મોટી સમસ્યા બેરોજગારી છે તેવો વિપક્ષનો પણ આરોપ છે. સારી બાબત એ છે કે મહિલાઓના બેરોજગારી દરમાં પણ ઘટાડો થયો છે.