આતંકી ગુરુ હાફિઝ સઇદના પુત્ર દ્વારા ભારત વિષે શું ઝેર ઓકાયું ? વાંચો
26/11 મુંબઈ હુમલાના માસ્ટરમાઈન્ડ અને લશ્કર-એ-તૈયબાના આતંકી હાફિઝ સઈદના પુત્ર હાફિઝ તલ્હા સઈદે પાકિસ્તાનના તથાકથિત ‘કાશ્મીર એકતા દિવસ’ એટલે કે 5 ફેબ્રુઆરીએ લાહોરમાં એક રેલીમાં ભારત વિરુદ્ધ ભડકાઉ ભાષણ આપ્યું હતું. કાશ્મીરને આઝાદ કરાવવાની તેણે ડંફાસ મારી હતી. .
રેલીને સંબોધિત કરતાં તલ્હા સઈદે કોઈ પણ કિંમતે કાશ્મીરને ભારતથી આઝાદ કરાવવાના સોગંધા ખાધા હતા. આ દરમિયાન ભીડે જેલમાં બંધ તેના પિતાની મુક્તિની માગ કરતાં નારા લગાવ્યા હતા.
પોતાના ભાષણ દરમિયાન આતંકીના પુત્ર તલ્હા સઈદે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લઈને પણ અપશબ્દ કહ્યાં હતા. તેણે લશ્કર-એ-તૈયબાને વૈશ્વિક આતંકવાદી સંગઠન જાહેર કરવાને પણ ફગાવી દીધું અને દાવો કર્યો કે આ તેના પિતાને બદનામ કરવા માટે મોદીનો પ્રચાર માત્ર છે.
તલ્હા સઈદે એ પણ માગ કરી કે પાકિસ્તાની સરકાર પોતાની નીતિની સમીક્ષા કરે અને હાફિઝ સઈદને જેલથી મુક્ત કરે. તેણે કહ્યું કે હાફિઝ સઈદ દોષી નથી તો તે જેલમાં કષ્ટ કેમ સહન કરે. ભીડ અને મંચ પર હાજર લોકોએ જમાત-ઉદ-દાવાના સંસ્થાપક આતંકી સઈદના સમર્થનમાં નારા લગાવ્યા હતા.
લશ્કર-એ-તૈયબા અને જમાત-ઉદ-દાવાનો સંસ્થાપક હાફિઝ સઈદ 2008ના મુંબઈ હુમલા સહિત ભારત વિરુદ્ધ આતંકવાદી હુમલાનું આયોજન કરવામાં એક મુખ્ય આતંકવાદી રહ્યો છે. તેને પાકિસ્તાનમાં ઘણા આતંકી ફંડિગ મામલે 78 વર્ષની જેલની સજા સંભળાવી હતી. સાથે જ 2022માં 31 વર્ષની વધુ સજા થઈ છે.