યુપીના સંભલ મુદ્દે સુપ્રીમ કોર્ટે શું આદેશ આપ્યો ? જુઓ
હાઇકોર્ટમાં સુનાવણી ના થાય ત્યાં સુધી લોકલ કોર્ટ કોઈ નિર્ણય નહીં આપે : સર્વે રિપોર્ટ દાખલ કરવા પર રોક લાગી શકે જ નહીં: મુસ્લિમ પક્ષને હાઇકોર્ટમાં જવા આદેશ
યુપીના સંભલની જામા મસ્જિદના સર્વેને લઈને શુક્રવારે સુપ્રીમ કોર્ટ પહોંચેલા મુસ્લિમ પક્ષને કોર્ટે રાહત આપી હતી અને સાથે હિન્દુ પક્ષને પણ રાહત આપી હતી. અલ્હાબાદ હાઇકોર્ટમાં સુનાવણી ના થાય ત્યાં સુધી સંભલ કોર્ટને કોઈ આગલું કદમ નહીં લેવાનો આદેશ કર્યો હતો.
બીજી બાજુ મુસ્લિમ પક્ષ દ્વારા સર્વે રિપોર્ટ દાખલ કરવા પર રોક લગાવવાની માંગ ફગાવીને કોર્ટે કહ્યું હતું કે રિપોર્ટ સીલબંધ કવરમાં ગુપ્ત રાખવામાં આવશે. આમ હિન્દુ પક્ષને પણ આ મુદા પર રાહત આપી હતી.
મુસ્લિમ પક્ષને ફટકાર
આ બાબતે લોકલ કોર્ટના આદેશ વિરુધ્ધ સીધા જ સુપ્રીમ કોર્ટ જવા અંગે અદાલતે ફટકાર લગાવીને કહ્યું હતું કે સીધા અમારી પાસે શા માટે આવ્યા ? મસ્જિદ કમિટીએ સર્વેના આદેશ પર રોક લગાવવાની માંગ કરી હતી. અદાલતે એમને હાઇકોર્ટમાં જવાનો આદેશ આપ્યો હતો.
મુખ્ય ન્યાયમૂર્તિ સંજીવ ખન્ના અને ન્યાયમૂર્તિ સાંજયકુમારની પીઠે સુનાવણી કરી હતી. કોર્ટે સાથે એમ પણ કહ્યું હતું કે મુસ્લિમ પક્ષની અરજી દાખલ થયાના 3 દિવસની અંદર સુનાવણી માટે લિસ્ટ કરવાની રહેશે.
હિન્દુ પક્ષના વકીલ જૈને અદાલતને કહ્યું હતું કે આ મામલે લોકલ કોર્ટમાં 8 જાન્યુઆરી સુધી સુનાવણી ટળી ગઈ છે. ત્યારે અદાલતે એમ કહ્યું હતું કે અમને ભરોસો છે કે હાઇકોર્ટમાં સુનાવણી પહેલા લોકલ કોર્ટ કોઈ પગલું લેશે નહીં.
મુસ્લિમ પક્ષની માંગ ફગાવી
અદાલતે મુસ્લિમ પક્ષના વકીલ અહમદી દ્વારા સર્વે રિપોર્ટ દાખલ કરવા પર રોક લગાવવાની કરેલી માંગ ફગાવીને કહ્યું હતું કે રિપોર્ટ દાખલ થવા પર કોઈ રોક લગાવી શકાય જ નહીં. જો કે કોર્ટ કમિશનરનો રિપોર્ટ સીલબંધ કવરમાં દાખલ થશે.