મણિપુર માટે ગૃહમંત્રી અમિત શાહે શું આપ્યો આદેશ ? જુઓ
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શનિવારે સુરક્ષા દળોને એવો નિર્દેશ આપી દીધો હતો કે 8 માર્ચ સુધીમાં મણીપુરમાં તમામ સડકો લોકો માટે ખોલી દેવામાં આવે અને શાંતિના કામમાં અવરોધ ઊભો કરનાર સામે સખત પગલાં લેવામાં આવે અને લોકોને રાહત આપવામાં આવે .
શનિવારે અમિત શાહે દિલ્હીમાં પોતાના મંત્રાલયમાં જ મણિપુરની સ્થિતિની સમીક્ષા માટે હાઇ લેવલની બેઠક કરી હતી અને તેમાં કેટલાક જરૂરી આદેશ આપ્યા હતા. મણીપુરમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થયા બાદ આવી પ્રથમ જ બેઠક મળી હતી.
બેઠકમાં રાજ્યપાલ અજયકુમાર ભલ્લા તેમજ સેના અને પોલીસ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા. સાથે અમિત શાહે રાજ્યમાં ડ્રગ સિન્ડિકેટને ધ્વસ્ત કરી દેવાનો પણ ખાસ આદેશ આપ્યો હતો. સડકો પર અવરોધ ઊભો કરનાર લોકો સામે સખત પગલા લેવાની સૂચના પણ એમણે આપી હતી.
રાજ્યના મુખ્યમંત્રી પદેથી એન બીરેન સિંહે રાજીનામું આપી દીધા બાદ રાજકીય અનિશ્ચિતતા પેદા થઈ હતી અને ત્યારબાદ રાષ્ટ્રપતિ શાસન લાગુ કરી દેવાયું હતું. ત્યારબાદ રાજ્યમાં શાંતિ અને સુખાકારી બહાલ કરવા માટે ગૃહ મંત્રી અમિત શાહે શનિવારે બેઠક બોલાવી હતી.