યુપીબાદ ઉત્તરાખંડમાં પણ શું આદેશ બહાર પડ્યો ? શું છે વિવાદ ? જુઓ
22મી જુલાઈથી હિંદુઓનો પવિત્ર શ્રાવણ માસ ચાલુ થઇ રહ્યો છે. તેની સાથે શ્રાવણ માસના પહેલા દિવસથી કાવડ યાત્રા પણ શરુ થઇ જશે. શ્રધાળુ હરિદ્વારથી આ યાત્રાની શરૂઆત કરશે. પરંતુ યાત્રા પહેલા યુપી અને ઉત્તરાખંડ પોલીસના એક આદેશથી વિવાદ થઇ ગયો હતો.
યોગી સરકારે અને ઉત્તરાખંડ સરકારે કાવડ માર્ગ પર આવતા દુકાનદારો માટે આદેશ જાહેર કર્યો હતો. આદેશમાં કહેવામાં આવ્યું છે કે તમામ દુકાનો અને ગાડીઓ પર માલિકના નામ લખવા પડશે અને દુકાનોના સ્ટાફના નામ પણ બહાર લખવા પડશે જેથી કાવડ યાત્રી જાણી શકે કે તેઓ કઈ દુકાનમાંથી સામાન ખરીદી રહ્યા છે. એટલે કે હવે હિન્દુ હોય કે મુસ્લિમ દરેકે પોતાની હોટેલ-દુકાનની બહાર નેમ પ્લેટ લગાવવી પડશે. જો કે વિપક્ષના વિરોધ બાદ એનડીએમાં પણ મતભેદો બહાર આવ્યા હતા અને જેડી યુ તથા આરએલડી દ્વારા નિર્ણયનો વિરોધ કરાયો છે.
ઉત્તરાખંડમાં પણ ધામી સરકારે શુક્રવારે આદેશ બહાર પડ્યો હતો કે કાવડ યાત્રાના માર્ગમાં આવતી તમામ દુકાનોમાં દુકાનના માલિકનું નામ અને સ્ટાફના નામ બહાર બોર્ડમાં લખવા પડશે. હરિદ્વાર એસપીએ આ આદેશને સમર્થન આપ્યું હતું. દુકાનદારોનું વેરિફિકેશન પણ શરૂ કરાયું હતું.
વિપક્ષે સરકાર પર કર્યા આકરા હુમલા
ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીન ના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ આદેશને સ્પષ્ટ રીતે ‘ભેદભાવપૂર્ણ’ ગણાવ્યો અને આરોપ લગાવ્યો હતો કે, આ દર્શાવે છે કે સરકાર ઉત્તર પ્રદેશ અને સમગ્ર દેશમાં મુસ્લિમોને ‘દ્વિતીય વર્ગ’ ના નાગરિક બનાવવા માંગે છે. સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે આ આદેશને “સામાજિક અપરાધ” ગણાવ્યો અને અદાલતોને આ કેસની સ્વતઃ સંજ્ઞાન લેવા જણાવ્યું હતું.
યુપીમાં સખત અમલ થશે
આ બધા વિવાદો વચ્ચે સીએમ યોગીએ કાવડ યાત્રામાં કોઈ અસુવિધા ના થાય તે માટે પગલા ભર્યા છે. મુખ્યમંત્રી કાર્યાલયે કહ્યું છે કે સમગ્ર ઉત્તર પ્રદેશમાં કાવડ માર્ગો પર ખાદ્યપદાર્થોની દુકાનો પર ‘નેમ પ્લેટ’ લગાવવાની રહેશે અને દુકાનો પર માલિક અને તેમની ઓળખ લખવાની રહેશે. સીએમઓના જણાવ્યા અનુસાર, કાવડ યાત્રીઓની આસ્થાની પવિત્રતા જાળવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. અને હલાલનું પ્રમાણપત્ર ધરાવતા ઉત્પાદનો વેચનારાઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવશે.