ભારતે શું મેળવી નવી સિધ્ધી ? જુઓ
કોની સાથે કરાર થયા ?
દેશના ઝડપથી વિકસી રહેલા અર્થતંત્રને જોઈને વિશ્વના દેશો ભારત તરફ આવી રહ્યા છે અને ભારતના માર્કેટ તથા વેપાર સાથે તાલ મિલાવીને આગળ વધી રહ્યા છે. ભારત અને યુરોપિયન ફ્રી ટ્રેડ એસોસિએશન ના ચાર સભ્ય દેશો વચ્ચે રવિવારના રોજ વેપાર કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ પ્રકારનો આ પહેલો કરાર હશે જેમાં ૧૫ વર્ષના સમયગાળામાં ૧૦૦ બિલિયન ડોલરના રોકાણની પ્રતિબદ્ધતા કરવામાં આવી છે. આ રોકાણથી ભારતમાં ૧૦ લાખ રોજગારીની તકો ઊભી થશે તેમ કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે જણાવ્યું હતું. હજુ અનેક દેશો સાથે કરાર માટે વાત ચાલી રહી છે.
યુરોપિયન ફ્રી ટ્રેડ એસોસિએશન રાષ્ટ્રોની (આઇસલેન્ડ, સ્વિત્ઝર્લેન્ડ, નોર્વે અને લિક્ટેંસ્ટાઇન) એક ટીમ ટ્રેડ એન્ડ ઇકોનોમિક પાર્ટનરશિપ એગ્રીમેન્ટ પર સત્તાવાર રીતે હસ્તાક્ષર થયા હતા. ગોયલે એવી માહિતી આપી હતી કે આ કરારથી અને રોકાણથી ફાર્મા,આરોગ્ય સાથે જોડાયેલ ઉપકરણો,ફૂડ સેક્ટર માટે મોટી તકો ઊભી થશે. લાખોને રોજગાર મળશે.
અનેક બીજા દેશો સાથે વાત ચાલે છે
ભારત દ્વારા યુરોપીયન દેશ અથવા સંસ્થા સાથે આ પહેલો અને છેલ્લા દાયકામાં ચોથો વેપાર કરાર છે. ફેબુ્રઆરી ૨૦૨૧ માં, ભારતે મોરેશિયસ સાથે મુક્ત વેપાર કરાર પર હસ્તાક્ષર કર્યા. તે પછી, ગયા વર્ષેે સંયુક્ત આરબ અમીરાત અને ઓસ્ટ્રેેલિયા સાથે સમાન કરાર કરવામાં આવ્યો હતો. હજુ પણ બ્રિટન તથા યુરોપિયન યુનિયન અને ઓમાન સાથે વાત ચાલી રહી છે.
ભારત અને યુરોપિયન ફ્રી ટ્રેડ એસોસિએશન દેશો ૧૫ વર્ષથી વધુ સમયથી વેપાર અને રોકાણ કરાર પર વાટાઘાટો કરી રહ્યા હતા. લગભગ ૧૩ રાઉન્ડની વાટાઘાટો બાદ ૨૦૧૩ના અંતમાં મંત્રણા અટકી ગઈ હતી. આ પછી, ૨૦૧૬ માં ફરીથી વાટાઘાટો શરૂ થઈ અને ચાર રાઉન્ડની મંત્રણા પછી, ૨૦૨૩ માં મામલો ઉકેલાશે તેવું લાગતું હતું. ત્યાર બાદ રવિવારે આ કરાર થયા હતા.