સોનિયા ગાંધીએ મહિલાઓને શું સંદેશ આપ્યો ? વાંચો
લોકસભા ચૂંટણીના ચોથા તબક્કા માટે સોમવારે મતદાન થયું હતું અને આ દરમિયાન કોંગ્રેસ નેતા અને યુપીએ ચેરપર્સન સોનિયા ગાંધીએ દેશની મહિલાઓ માટે એક વીડિયો સંદેશ મૂક્યો હતો. સોનિયા ગાંધીએ પોતાના વીડિયો સંદેશમાં કહ્યું કે જો કોંગ્રેસની સરકાર બનશે તો મહાલક્ષ્મી યોજના હેઠળ દરેક મહિલાને દર વર્ષે એક લાખ રૂપિયા મળશે. તેમણે આઝાદીની લડાઈમાં અને આધુનિક ભારતના નિર્માણમાં મહિલાઓના યોગદાનનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે માત્ર કોંગ્રેસના હાથથી જ તેમની સ્થિતિ બદલાશે.
સોનિયા ગાંધીએ કહ્યું, ‘હેલો… મારી પ્રિય બહેનો. આઝાદીની લડતથી લઈને આધુનિક ભારતના નિર્માણમાં મહિલાઓએ બહુ મોટું યોગદાન આપ્યું છે. જો કે, આજે આપણી મહિલાઓ ભારે મોંઘવારી વચ્ચે સંકટનો સામનો કરી રહી છે. તેમની મહેનત અને તપસ્યાને ન્યાય આપવા કોંગ્રેસે ક્રાંતિકારી પગલું ઉઠાવ્યું છે.
કોંગ્રેસની ‘મહાલક્ષ્મી’ યોજના હેઠળ અમે ગરીબ પરિવારની મહિલાને દર વર્ષે 1 લાખ રૂપિયા આપીશું. અમારી ગેરંટીએ કર્ણાટક અને તેલંગાણામાં કરોડો પરિવારોના જીવનને બદલી નાખ્યું છે. હવે દેશની તમામ મહિલાઓને આ લાભ મળશે.
તેમણે વધુમાં કહ્યું, ‘ મનરેગા હોય, માહિતીનો અધિકાર હોય, શિક્ષણનો અધિકાર હોય કે ખાદ્ય સુરક્ષા… કોંગ્રેસ પાર્ટીએ યોજનાઓ દ્વારા કરોડો ભારતીયોને શક્તિ આપી છે. મહાલક્ષ્મી આપણા કામને આગળ લઈ જવાની નવીનતમ ગેરંટી છે. આ મુશ્કેલ સમયમાં હું તમને ખાતરી આપવા માંગુ છું કે કોંગ્રેસનો હાથ તમારી સાથે છે અને આ હાથ તમારી સ્થિતિ બદલી નાખશે.