જીએસટીમાં શું થઈ શકે છે મોટા ફેરફાર ? કોણે સંકેત આપ્યો ?
કેન્દ્રનું બજેટ આવી ગયા બાદ હવે અર્થતંત્રના મોરચે ધીમે ધીમે સરકાર કેટલાક પગલાં લેવા માંગે છે અને સૌ પ્રથમ જીએસટીમાં મોટા પાયે ફેરફાર થઈ શકે છે તેમ સરકારી સૂત્રોએ જણાવ્યું છે. જીએસટીના વર્તમાન 4 સ્લેબ છે અને તેમાં ઘટાડો કરવાનો સરકાર વિચાર કરી રહી છે. નવા સુધારામાં 2 સ્લેબ રાખવાનો વિચાર છે.
સરકારના એક અધિકારીએ મીડિયાને એમ કહ્યું હતું કે 2017 માં જીએસટી લાગુ થયો હતો અને હવે 4 સ્લેબમાં ઘટાડો કરીને 2 સ્લેબ રાખવાની યોજના બનાવવામાં આવી રહી છે. આ માટે બેઠકોના દોર શરૂ થઈ ગયા છે. બધાના સૂચનો લેવાઈ રહ્યા છે. ટૂક સમયમાં જ આ બારામાં કોઈ મોટો નિર્ણય જાહેર થઈ શકે છે.
આડકતરા વેરા બોર્ડના પ્રમુખ સંજય અગ્રવાલે મીડિયાને એમ કહ્યું હતું કે જીએસટીમાં વધુ પડતાં સ્લેબ છે અને તેને લીધે વધુ સમસ્યાઓ પેદા થઈ રહી છે. અત્યરે 5, 12, 18 અને 28 ટકાના 4 સ્લેબ છે અને તેમાં સુધારો કરીને 2 સ્લેબ કરવાની યોજના બની રહી છે. આ પગલું અત્યારે ખૂબ જરૂરી બન્યું છે.
આમ કરીને જીએસટી માળખાને વધુ સરળ બનાવી શકાય છે અને ફરિયાદો ઘટી શકે છે તેમજ સંબંધીત લોકોને ઘણી રાહત મળી શકે છે તેમ સરકાર માને છે. નવા 2 સ્લેબ કરવાથી મહેસૂલી આવક પર કોઈ પ્રતિકૂળ અસર થશે નહીં તેવી ખાતરી પણ એમણે આપી હતી. છેલ્લા ઘણા સમયથી જીએસટી કલેક્શનમાં સતત વધારો જ થઈ રહ્યો છે અને સરકારની આવક વધી રહી છે અને 2 સ્લેબ થઈ ગયા બાદ પણ આવક ઘટશે નહીં તેનો વિશ્વાસ છે.