અમેરીકન પ્રમુખનો પગાર કેટલો ?? જાણો વિશ્વના સૌથી શક્તિશાળી વ્યક્તિને દર વર્ષે કેટલા પૈસા મળે છે
અમેરિકી રાષ્ટ્રપતિને ઘણીવાર વિશ્વની સૌથી શક્તિશાળી વ્યક્તિ માનવામાં આવે છે. તે સૌથી સારા પગારવાળી નોકરીઓમાંની એક ગણાય છે. જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ અથવા કમલા હેરિસ સત્તા સંભાળશે, ત્યારે તેઓને $4,00,000 (અંદાજે રૂ. 3.36 કરોડ)નો વાર્ષિક પગાર મળશેપરંતુ આ રોકડા પગાર સિવાય પણ ઘણા લાભ મળે છે.
રાષ્ટ્રપતિનો પગાર અને ભથ્થાં
યુનાઇટેડ સ્ટેટ્સના રાષ્ટ્રપતિ દર વર્ષે 4,00,000 ડોલર કમાય છે, જે અંદાજે $44,500 (અંદાજે રૂ. 37.41 લાખ)ની સરેરાશ અમેરિકન આવક કરતાં ઘણી વધારે છે. પગાર ઉપરાંત, રાષ્ટ્રપતિને $50,000 (રૂ. 42 લાખ) વાર્ષિક ખર્ચ ભથ્થું, $1,00,000 (રૂ. 84 લાખ) કરમુક્ત મુસાફરી અને $19,000 (રૂ. 16 લાખ) મનોરંજન ભથ્થું મળે છે. એકંદરે, આ દર વર્ષે $5,69,000 (રૂ. 4.78 કરોડ) થાય છે.
જ્યારે રાષ્ટ્રપતિઓ તેમનો કાર્યકાળ શરૂ કરે છે ત્યારે તેમને વ્હાઇટ હાઉસને ફરીથી સજાવવા માટે $1,00,000 પણ આપવામાં આવે છે. જો કે, બરાક ઓબામાની જેમ કેટલાક, પુનઃનિર્માણ માટે તેમના પોતાના નાણાંનો ઉપયોગ કરવાનું પસંદ કરે છે.
રાષ્ટ્રપતિને મફત પરિવહન પણ મળે છે, જેમાં પ્રેસિડેન્શિયલ લિમોઝિન (“ધ બીસ્ટ”), મરીન વન હેલિકોપ્ટર અને એર ફોર્સ વન જેટ તેમજ વ્હાઇટ હાઉસમાં વિનામૂલ્યે રહેવાનો સમાવેશ થાય છે. જ્યારે તેઓ નિવૃત્ત થાય છે, ત્યારે ભૂતપૂર્વ પ્રમુખોને દર વર્ષે લગભગ $ 2,00,000 (રૂ. 1.68 કરોડ)નું પેન્શન, તેમજ હેલ્થકેર કવરેજ માટે ચૂકવણી મળે છે.
અમેરિકન પ્રમુખોને શા માટે ઉંચો પગાર?
યુનાઇટેડ સ્ટેટ્સના સ્થાપકો માનતા હતા કે ભ્રષ્ટાચાર ટાળવા માટે રાષ્ટ્રપતિઓને સારો પગાર આપવો જોઈએ. એલેક્ઝાન્ડર હેમિલ્ટને દલીલ કરી હતી કે જો રાષ્ટ્રપતિને પગાર આપવામાં ન આવે, તો તેઓ લાંચ લેતા થઇ જશે.
શું રાષ્ટ્રપતિ તેમનો પગાર નકારી શકે?
કાયદેસર રીતે, રાષ્ટ્રપતિ તેમના પગારને સંપૂર્ણપણે નકારી શકતા નથી, પરંતુ તેઓ પગારમાંથી દાન કરી શકે છે. ઉદાહરણ તરીકે, જ્યોર્જ વોશિંગ્ટન શરૂઆતમાં તેમનો $25,000 પગાર નકારવા માગતા હતા , પરંતુ કોંગ્રેસે તેને ફરજિયાત બનાવ્યું હતું. જ્હોન એફ કેનેડી અને ડોનાલ્ડ ટ્રમ્પ જેવા પ્રમુખોએ તેમનો પગાર ચેરિટીમાં દાન કરવાનો નિર્ણય કર્યો.
વિશ્વના અન્ય નેતાઓ સાથે સરખામણી
અમેરિકી રાષ્ટ્રપતિનો પગાર નોંધપાત્ર છે પરંતુ વિશ્વના નેતાઓમાં તે રકમ સૌથી મોટી નથી. સિંગાપોરના વડા પ્રધાન લોરેન્સ વોંગ હાલમાં દર વર્ષે $1.69 મિલિયન (અંદાજે રૂ. 14.20 કરોડ)નો સૌથી વધુ પગાર મેળવે છે. અન્ય સારી કમાણી કરનારા નેતાઓમાં હોંગકોંગના જ્હોન લી કા-ચીઉનો સમાવેશ થાય છે, જેઓ લગભગ $6,72,000 (રૂ. 5.64 કરોડ) કમાય છે અને સ્વિટ્ઝર્લેન્ડના વિઓલા એમ્હાર્ડ, જે વાર્ષિક $570,000 (રૂ. 4.8 કરોડ) કમાય છે. બીજા છેડે, ઇથોપિયાના વડા પ્રધાન જેવા નેતાઓ દર વર્ષે માત્ર $1,700 (રૂ. 1.4 લાખ) કમાય છે.
અમેરિકી રાષ્ટ્રપતિનો પગાર સમયાંતરે બદલાયો છે. જ્યોર્જ વોશિંગ્ટન 1789માં પ્રમુખ બન્યા ત્યારે તેમને $25,000 મળતા હતા, જે આજના દરે લગભગ $8,95,000 (રૂ. 7.5 કરોડ) થાય. સૌથી તાજેતરનો વધારો 2001માં થયો હતો, જેના પરિણામે અત્યારે ચાર લાખ ડોલર પગાર મળે છે. ત્યારથી, ફુગાવાએ વેતનનું વાસ્તવિક મૂલ્ય ઘટાડી દીધું છે, એટલે કે આજે પ્રમુખો પાસે ભૂતકાળની સરખામણીમાં ઓછી ખરીદ શક્તિ છે.