MoU અને મેક ઇન ઇન્ડિયાને શું સંબંધ ?? ‘મેક ઇન ઇન્ડિયા’ ને બુસ્ટર ડોઝ ?? વાંચો વિશેષ અહેવાલ
જર્મન ડીફેન્સ ટેકનોલોજીની કંપની હેન્સોલ્ડે ભારતના સૌથી મોટા ડ્રોન ઉત્પાદક ‘રાફે એમફાઇબર’ સાથે એક મહત્વપૂર્ણ અગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કર્યા હોવાથી ‘મેક ઇન ઇન્ડિયા’ પહેલને મોટો વેગ મળ્યો એવું સરકારનું માનવું છે. હજુ તો આ સમજૂતી કરાર એટલે કે મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગના (MoU) લેવલ પર જ છે. આ કરાર એરો ઇન્ડિયા 2025 માં કરવામાં આવ્યો હતો અને તેનો ઉદ્દેશ્ય ભારત-જર્મની સંરક્ષણ સહયોગને મજબૂત બનાવવાનો છે.
‘મેક ઇન ઇન્ડિયા‘
‘મેક ઇન ઇન્ડિયા’ ઘણા વર્ષોથી ચાલતી એક સરકારી નીતિ છે જે કંપનીઓને દેશમાં પ્રોડક્ટ્સનું મેન્યુફેક્ચરીંગ કરવા માટે પ્રોત્સાહિત કરે છે. તેનો ઉદ્દેશ્ય સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપીને બહારથી રોકાણ આકર્ષવાનો, આધુનિક માળખાગત સુવિધાઓ વિકસાવવાનો અને રોજગારીની તકો ઊભી કરવાનો છે.
જર્મન–ઇન્ડિયા ભાગીદારી
આ ભાગીદારી હેઠળ, બંને કંપનીઓ મલ્ટીપલ-ઇનપુટ મલ્ટીપલ-આઉટપુટ (MIMO) નામની ટેકનોલોજીનો ઉપયોગ કરીને એક અદ્યતન રડાર સિસ્ટમ વિકસાવવા માટે સાથે મળીને કામ કરશે. આ રડાર સિસ્ટમ ડ્રોન અને માનવયુક્ત વિમાનો સહિત આગામી પેઢીના ઉડ્ડયન પ્લેટફોર્મ માટે લેન્ડિંગ આસિસ્ટન્સમાં સુધારો કરવામાં મદદ કરશે.
જર્મન હેન્સોલ્ટ કંપની
હેન્સોલ્ટ એક અગ્રણી જર્મન કંપની છે જે ડીફેન્સ અને સિક્યોરીટી ટેકનોલોજીમાં પારંગત છે. જર્મન સરકાર ખુદ આ કંપનીમાં 25% હિસ્સો ધરાવે છે. HENSOLDT હાઇ-ટેક ડિફેન્સ ઇલેક્ટ્રોનિક્સ અને સેન્સર સિસ્ટમ્સ વિકસાવે છે, જેનો ઉપયોગ નાગરિક અને લશ્કરી બંને એપ્લિકેશનોમાં થાય છે. ભારત-પ્રશાંત ક્ષેત્ર પર જર્મનીના વધતા ફોકસ અને અદ્યતન સંરક્ષણ ટેકનોલોજીની ભારતની વધતી જતી જરૂરિયાતને ધ્યાનમાં રાખીને, આ ભાગીદારીને ગંભીરતાથી લે છે એવું લાગે છે. જોઈએ, કેટલું નક્કર કામ આગળ થાય છે હેન્સોલ્ટના સીઈઓ ઓલિવર ડોરે તાજેતરમાં જણાવ્યું હતું કે ભારત ટોચના પાંચ વૈશ્વિક બજારોમાંનું એક છે જ્યાં કંપની તેનો વ્યવસાય વિસ્તારવા માંગે છે.

ભાગીદારીમાં ભારતની કંપની ભૂમિકા
ભારતીય કંપની Rafe AmFiber ડ્રોન અને એરક્રાફ્ટ માટે MIMO ટેકનોલોજીને વ્યવહારુ ઉકેલોમાં ફેરવવા માટે રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટ (R&D) પર ધ્યાન કેન્દ્રિત કરશે. સીઈઓ વિવેક મિશ્રાએ સમજાવ્યું કે ડિઝાઇન અને ઉત્પાદનમાં રાફેની એક્સપર્ટીઝ તથા હેન્સોલ્ડની સેન્સર ટેકનોલોજી એમ બંનેની ભાગીદારીનો ઉદ્દેશ્ય સ્પર્ધાત્મક અને વિશ્વ-સ્તરીય MIMO રડાર સિસ્ટમ બનાવવાનો છે.
રડારના ડેવલપમેન્ટ ઉપરાંત, બંને કંપનીઓએ ભારતમાં હેન્સોલ્ટના અદ્યતન સેન્સર સાધનોનું ઉત્પાદન કરવા માટે બીજા અગ્રીમેન્ટ પર પણ હસ્તાક્ષર કર્યા. આનાથી ફક્ત સ્થાનિક ઉત્પાદનમાં વધારો થશે એટલું જ નહીં પરંતુ આવી ટેકનોલોજીની વૈશ્વિક માંગને પહોંચી વળવામાં પણ મદદ મળશે.
HENSOLDT ના ગ્લોબલ બિઝનેસ હેડ રસેલ ગોલ્ડે રાફેની ઉત્પાદન સુવિધાઓની પ્રશંસા કરતા કહ્યું કે તેઓ આંતરરાષ્ટ્રીય ધોરણોને પૂર્ણ કરે છે. હેન્સોલ્ટ ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર એન્ડલિબ શાદમેને જણાવ્યું હતું કે આ ભાગીદારી ટેકનોલોજી અને વિશ્વાસ બંને પર આધારિત છે અને ભારતની સંરક્ષણ ક્ષમતાઓને મજબૂત બનાવશે.
બીજી જર્મન–ભારતીય ભાગીદારી: હેન્સોલ્ડ અને સેમટેલ એવિઓનિક્સ
રાફે એમફાઇબ્ર સાથે ભાગીદારી ઉપરાંત, હેન્સોલ્ટે બીજી ભારતીય કંપની, સેમટેલ એવિઓનિક્સ સાથે પણ એમઓયુ પર હસ્તાક્ષર કર્યા. આ ભાગીદારીનો ઉદ્દેશ્ય ભારતમાં હેન્સોલ્ટ એવિએશનનું મેન્યુફેક્ચરિંગ વધારવાનો છે. આ ઉત્પાદનોમાં લેન્ડિંગ એઇડ્સ, કોમ્યુનિકેશન સિસ્ટમ્સ અને ફ્લાઇટ ડેટા રેકોર્ડર્સનો સમાવેશ થાય છે.
આ કરારો સંરક્ષણ ક્ષેત્રમાં ભારત સાથે કામ કરવાની જર્મનીની પ્રતિબદ્ધતાને બતાવે છે અને સંરક્ષણ ઉત્પાદનમાં આત્મનિર્ભર બનવાના ભારતના ધ્યેયને સમર્થન આપે છે. આ સહયોગ બંને દેશો માટે નવી તકો ખોલશે અને ભારતની સંરક્ષણ ટેકનોલોજીને ઉચ્ચ સ્તરે લઈ જશે તેવી અપેક્ષા છે.
Abhimanyu Modi
