ચુંટણી પાંચ સામે ઈન્ડિયા ગઠબંધન હવે શું કરવા જઈ રહ્યું છે ?
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં કારમી હાર બાદ, વિપક્ષી ગઠબંધન ઈન્ડિયા બ્લોકે ચૂંટણી પંચ અને ભાજપ પર ચૂંટણીમાં ગરબડનો આરોપ લગાવીને સુપ્રીમ કોર્ટમાં જવાનો નિર્ણય કર્યો છે. મંગળવારે શરદ પવાર જૂથના નેતા પ્રશાંત જગતાપે આ અંગે માહિતી આપી હતી. એનસીપી (શરદચંદ્ર પવાર)ના વડા શરદ પવાર, અરવિંદ કેજરીવાલ અને જાણીતા વકીલ અને કોંગ્રેસ નેતા અભિષેક સિંઘવી વચ્ચેની બેઠક બાદ આ નિર્ણયની જાહેરાત કરવામાં આવી હતી.
વિપક્ષી ગઠબંધનનો આરોપ છે કે ભારતીય જનતા પાર્ટીની આગેવાની હેઠળના મહાયુતિ ગઠબંધનની તરફેણમાં ઇવીએમમાં ખામી સર્જાઈ હતી જેના કારણે તેની મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં હાર થઈ હતી. આ ઉપરાંત બેઠક દરમિયાન, કેજરીવાલે દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં મતદાર યાદી અંગે પોતાની ચિંતા વ્યક્ત કરી હતી.
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (શરદ પવાર)ના શહેર પ્રમુખ પ્રશાંત જગતાપે મીડિયાને કહ્યું કે, ‘અમે ભાજપને જીતવા માટે ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવેલી ધાંધલી સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ દાખલ કરીશું. અમને સુપ્રીમ કોર્ટમાં વિશ્વાસ છે અને અમને આશા છે કે સુપ્રીમ કોર્ટ અમારી તરફેણમાં અને કૌભાંડની વિરુદ્ધમાં ચુકાદો આપશે.’
અગાઉ, ચૂંટણી પંચે કહ્યું હતું કે, ‘મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં પડેલા મતો અને વીવીપેટ સ્લિપમાં કોઈ ગેરરીતિ જોવા મળી નથી.દરેક વિધાનસભા મતવિસ્તારમાં અવ્યવસ્થિત રીતે પસંદ કરાયેલ મતદાન મથકોમાંથી વીવીપેટ સ્લિપની ગણતરી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી હતી.’