મહારાષ્ટ્રમાં શાસક ગઠબંધનમાં શું થઈ રહ્યો છે વિવાદ ? કોણ નારાજ ? જુઓ
મહારાષ્ટ્ર બીજેપીના એક વરિષ્ઠ નેતાના જણાવ્યા અનુસાર, મહાયુતિ ગઠબંધન આગામી વિધાનસભા ચૂંટણીમાં મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી પદનો કોઈ ચહેરો રજૂ કરશે નહીં. ઉપરાંત, ભાજપ કુલ 288 બેઠકોમાંથી ઓછામાં ઓછી 160 બેઠકો પર દાવો કરશે. મુખ્યમંત્રી પદ અને બેઠકોની સંખ્યા બંને પર ભાજપના વલણથી શિવસેના અને એનસીપી છાવણીઓ નારાજ છે. એમને પણ સીએમ પદ જ જોઈએ છે.
બીજેપી નેતાએ કહ્યું કે ઘણા વિચાર-વિમર્શ પછી એ નિર્ણય લેવામાં આવ્યો છે કે મહાયુતિના કોઈ પણ નેતા – એકનાથ શિંદે, દેવેન્દ્ર ફડણવીસ કે અજિત પવારને મુખ્યમંત્રી પદના ઉમેદવાર બનાવવામાં આવશે નહીં.
એમણે કહ્યું કે નવા મુખ્યમંત્રી અંગેનો નિર્ણય વિધાનસભા ચૂંટણીના પરિણામો આવ્યા બાદ લેવામાં આવશે. ‘હાલમાં જ મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં ભાજપે કોઈ પણ નેતાને ભાવિ મુખ્ય મંત્રી તરીકે રજૂ કર્યા નહતા. મહારાષ્ટ્રમાં પણ આમ જ થશે.
સીટ શેરિંગ ફોર્મ્યુલા પર, કહ્યું કે પાર્ટી ઓછામાં ઓછી 160 સીટો પર દાવો કરશે. 160 બેઠકો પર કોઈ બાંધછોડ નહીં થાય. અમે વાતચીત દરમિયાન આ સંખ્યા પર ભાર મુકીશું. અમને ખાતરી છે કે અમે 100થી વધુ બેઠકો જીતીશું અને પછી જ અમે મુખ્યમંત્રી પદનો દાવો કરીશું.
શિવસેનાના એક નેતાએ કહ્યું કે ‘મુખ્યમંત્રી પદ પર કોઈ સમજૂતી નહીં થાય, શિંદે મુખ્યમંત્રી જ રહેશે.’ એનસીપીના એક નેતાએ કહ્યું કે તેમની પાર્ટી 100 બેઠકોનો દાવો કરશે અને શિવસેના પણ એટલી જ બેઠકોની માંગ કરશે. જ્યારે બીજેપી નેતાએ કહ્યું કે ‘એનસીપી અને શિવસેના 100-100 સીટોની માંગ કરી રહ્યા છે, અમને આશા છે કે બંને 80-80 સીટો પર સમજૂતી કરશે.’ તેમણે કહ્યું કે સીટ શેરિંગ ફોર્મ્યુલા પર અંતિમ નિર્ણય કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ લેશે.