BCCIમાં શું વહીવટ ચાલે છે? કોઈ માહિતી નહીં માંગી શકે! BCCI સરકાર પાસેથી નાણાં મેળવતું ન હોવાથી તેને RTIમાં નહીં કરાય સામેલ
મોદી સરકારે સંસદમાં રજૂ કરેલા રાષ્ટ્રીય રમત-ગમત વહીવટી ખરડામાં આખરે સંશોધન કર્યું છે. આ સંશોધન બાદ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) માહિતી મેળવવાના અધિકાર (RTI)થી બહાર રહેશે. આ માટે કેન્દ્રીય રમત-ગમત મંત્રાલયે RTI નિયમની એક જોગવાઈનો હવાલો આપ્યો છે જે પ્રમાણે માત્ર સરકારના નાણાંથી જ સંચાલિત થતા એકમ જ જનતાની ઓથોરિટી ગણાશે ! જો કે ભારતીય ક્રિકેટ બોર્ડ સરકારી સહાય કે નાણાં મેળવતું ન હોવાથી તેને આરટીઆઈના દાયરામાં લેવામાં આવ્યું નથી.

23 જૂલાઈએ સંસદમાં આ ખરડો રજૂ થયો હતો ત્યારે તેમાં ખંડ 15(2)માં એક જોગવાઈ હતી જે નિર્ધારિત કરતી હતી કે રાષ્ટ્રીય રમત-ગમત ખરડા દ્વારા માન્યતા પ્રાપ્ત તમામ એકમોને RTI હેઠળ પબ્લીક ઓથોરિટી માનવામાં આવશે. જો કે આ ખંડને એક સંશોધનના માધ્યમથી હટાવી દેવામાં આવ્યો છે. આ ખંડમાં કહેવામાં આવ્યું હતું કે એક માન્યતા પ્રાપ્ત રમત-ગમત સંગઠન આ જાહેરનામા હેઠળ પોતાનું કામ, ફરજ અને શક્તિઓના પ્રયોગના સંબંધમાં RTI હેઠળ પબ્લીક ઓથોરિટી માનવામાં આવશે. આ જોગવાઈ હેઠળ રાષ્ટ્રીય રમત-ગમત ફેડરેશન આરટીઆઈના દાયરામાં આવી છે.
BCCI હંમેશા આરટીઆઈના દાયરામાં આવવાનો વિરોધ કરતું રહ્યું છે સાથે સાથે એવો તર્ક પણ આપે છે કે અન્ય રમત-ગમત એકમની જેમ તે સરકારી ધન ઉપર નિર્ભર નથી.
