સ્વાતિ માલીવાલ કેસમાં શું નવા જૂની ? વાંચો
દિલ્હીના સીએમ હાઉસમાં સ્વાતિ માલીવાલ સાથે બનેલી હિચકારી ઘટનાના પડઘા હવે વધી રહ્યા છે અને આ બારામાં રાષ્ટ્રીય મહિલા પંચે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના પર્સનલ આસિસ્ટન્ટ વિભવ કુમારને સમન્સ પાઠવ્યું હતું. તેમના પર આમ આદમી પાર્ટીના સાંસદ સ્વાતિ માલીવાલ પર હુમલો કરવાનો આરોપ છે. 17 મીએ એટલે આજે હાજર થવું પડશે
બીજી બાજુ આ મામલામાં એક્શનની તૈયારી પણ થઈ હતી અને ગુરુવારે દિલ્હી પોલીસની એક ટીમ સ્વાતિના ઘરે ગઈ હતી અને આ કેસ અંગે ચર્ચા કરી હતી. આગળ આ કેસમાં કયા પ્રકારની કાર્યવાહી કરવી છે તે બારામાં સ્વાતિનો મત લેવામાં આવ્યો હતો. સ્પેશ્યલ સેલના અધિક સીપી પોતે સ્વાતિને મળવા ગયા હતા. સ્વાતિનું નિવેદન લેવાની પણ પોલીસ અધિકારીએ વાત કરી હતી.
મહિલા પંચે આ મામલાને જાતે જ સંજ્ઞાન લેતા વિભવ કુમારને 17 મેના રોજ સવારે 11 વાગે હાજર થવા નિર્દેશ આપ્યો હતો. એ જ રીતે રાષ્ટ્રીય મહિલા પંચે દિલ્હી પોલીસ પાસે એક્શન ટેકન રિપોર્ટ પણ માંગ્યો હતો. આ મામલો હવે રાજકીય દંગલમાં ફેરવાઇ રહ્યો છે અને ભાજપે આપ સામે હુમલો વધારી દીધો છે.
લે બોલ.. આરોપી તો કેજરીવાલ સાથે હતો !
વિભવ કુમાર ગુરુવારે સવારે લખનઉ એરપોર્ટ પર અરવિંદ કેજરીવાલ સાથે જોવા મળ્યા હતા. કેજરીવાલ ઈન્ડિયા ગઠબંધનના નેતાઓની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં ભાગ લેવા લખનઉ પહોંચ્યા હતા.
આ દરમિયાન જ્યારે કેજરીવાલને સ્વાતિ માલીવાલ કેસ અંગે પ્રશ્ન પૂછ્યો તો કેજરીવાલે કોઈ જવાબ આપ્યો ન હતો. આ દરમિયાન કેજરીવાલ પણ વિભવ કુમાર સાથે કારમાં બેઠેલા જોવા મળ્યા હતા. આ બનાવ અંગે ભાજપે કેજરીવાલ પર આરોપ મૂક્યા હતા અને સખત એક્શન લેવાની માંગ કરી હતી.