ભાજપના ચુંટણી ઢંઢેરામાં શું છે ?
શું કહ્યું વડાપ્રધાને ?
લોકસભા 2024 ની ચુંટણી માટે 400 બેઠકના અભિયાન વચ્ચે રવિવારે ભાજપ દ્વારા ચુંટણી ઢંઢેરો જાહેર કરાયો હતો. દિલ્હીના ભાજપના વડામથક ખાતે વડાપ્રધાન મોદીએ ઢંઢેરો જારો કર્યો હતો. આ કાર્યક્રમમાં ભાજપના પ્રમુખ નડા, રાજનાથ સિંહ, અમિત શાહ સહિતના તમામ ટોચના નેતાઓ હાજર રહ્યા હતા.
ઢંઢેરાનું નામ મોદી કી ગેરંટી રાખવામાં આવ્યું છે. 2047 સુધી વિકસિત ભારતનો રોડમેપ જાહેર કરાયો છે. ખાસ કરીને સમાજના 4 સ્તંભ મહિલા, યુવા, ગરીબ અને અન્નદાતાના કલ્યાણ પર ફોકસ કરવામાં આવ્યું છે. વડાપ્રધાને ઘોષણા પત્રમાં 10 ગેરંટી આપી છે.
દેશમાં નવા 3 કરોડ ઘર, બુલેટ ટ્રેનનો વિસ્તાર, 5 વર્ષ સુધી મફત અનાજ યોજના લંબાવવી, વન નેશન વન ઇલેક્શનનો અમલ, ઝીરો વીજળી બિલ, સમાન નાગરિક સંહિતાનો અમલ વગેરેનો સમાવેશ થાય છે. ખાસ કરીને 70 વર્ષથી ઉપરના વડીલોને આયુષમાન યોજનાનો લાભ અપાશે. મેડિકલ શિક્ષામાં સીટ વધારવામાં આવશે.
મહિલાઓ માટે પણ કેટલીક યોજનાઓ તરતી મૂકવામાં આવશે. આર્થિક અને સામાજિક વિકાસ માટે સુવિધાઓ અપાશે. લખપતિ દીદી વધુ પ્રમાણમાં બનાવવામાં આવશે.
આ તકે વડાપ્રધાને કહ્યું હતું કે દેશમાં ગરીબોના ભોજનની થાળી પોષણયુક્ત હોય તે અમે સુનિશ્ચિત કરશું. અમારું ફોકસ રોકાણથી નોકરી પર છે. આવતા 5 વર્ષ સુધી મફત અનાજ યોજના ચાલુ જ રહેશે. સમાન સિવિલ કોડનો અમલ આજના દેશની જરૂરિયાત છે.
