નાણામંત્રી નિર્મલા બજેટમાં શું નવાજૂની કરી શકે છે ? જુઓ
૨૦૨૫નું બજેટ રજૂ કરતી વખતે,કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ આ વખતે આવકવેરા અંગે મોટી જાહેરાતો કરી શકે છે. દરેક જગ્યાએ ચર્ચા છે કે સરકાર જૂની કર વ્યવસ્થા નાબૂદ કરી શકે છે અને દેશમાં ફક્ત નવી કર વ્યવસ્થા જ રહી શકે છે. સરકારે આ અંગે ઘણા સંકેતો પણ આપ્યા છે, જૂની વ્યવસ્થાની સમાપ્તિની તારીખ જાહેર થઈ શકે છે . એ જ રીતે ખેડૂતો માટે 6 વર્ષમાં સૌથી મોટી ફાળવણી પણ થઈ શકે છે.
ગયા બજેટમાં, નાણામંત્રીએ જાહેરાત કરી હતી કે દેશમાં આવકવેરા કાયદાની સમીક્ષા કરવામાં આવશે. આ માટે અધિકારીઓની એક યોગ્ય સમિતિ પણ બનાવવામાં આવી હતી, જેના અહેવાલ પર ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવશે. આ ઉપરાંત, 2020 માં દેશમાં નવી કર વ્યવસ્થા અમલમાં આવી ત્યારથી, સરકારે જૂની કર વ્યવસ્થામાં કોઈ ફેરફાર કર્યો નથી.
નવી કર વ્યવસ્થા આકર્ષક બનશે
સરકારનું સંપૂર્ણ ધ્યાન નવી કર વ્યવસ્થાને લોકપ્રિય બનાવવા પર છે. એટલા માટે છેલ્લા 4 વર્ષમાં સરકારે ટેક્સ સ્લેબ, મુક્તિ મર્યાદા વધારવા અને તેમાં સ્ટાન્ડર્ડ ડિડક્શન ઉમેરવા પર કામ કર્યું છે. આવી સ્થિતિમાં, સરકાર આ વખતે પણ નવી કર વ્યવસ્થામાં કેટલાક ફેરફારો લાવી શકે તેવી શક્યતા છે. જૂની કર વ્યવસ્થામાં, 2014 માં, નાણામંત્રી અરુણ જેટલીએ 80-સીની મર્યાદા વધારીને 1.5 લાખ રૂપિયા કરી હતી, ત્યારબાદ આવકવેરા છૂટનો વિકલ્પ ઉમેરવામાં આવ્યો હતો, પરંતુ ત્યારથી જૂની વ્યવસ્થામાં કોઈ મોટો ફેરફાર થયો નથી.
નાદારી કાયદામાં પણ ફેરફાર થઈ શકે છે
આ ઉપરાંત એવા અહેવાલો પણ બહાર આવ્યા છે કે નિર્મલા નાદારી કાયદામાં પણ વ્યાપક ફેરફાર કરી શકે છે . હવે કદાચ ગ્રુપ કંપનીઓનો જલ્દીથી વિવાદ નિપટારો થઈ શકે છે . આ માટે ગ્રુપ ઈનસોલવન્સીની જાહેરાત થઈ શકે છે . આ માટે નિયમો બહાર પાડી શકાય છે . આ પહેલા નાણામંત્રી સમક્ષ ગ્રુપ ઈનસોલવન્સી માટે ભલામણો થઈ હતી. ગ્રુપ નાદારીનો અર્થ એવો કરાયો છે કે એક જ માલિકીની અલગ અલગ કંપનીઓની સ્થિતિ માટે નવા નિયમો આવી શકે છે .