હેમંત સોરેનને શું લાગ્યો ફટકો ? વાંચો
- હાઇકોર્ટે શું કહ્યું ?
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની કાર્યવાહી વિરુદ્ધ ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેનની અરજી પર ઝારખંડ હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી. હેમંત સોરેનને કોર્ટ તરફથી કોઈ રાહત મળી નહતી. હાઈકોર્ટના ચીફ જસ્ટિસ એસ. ચંદ્રશેખર અને જસ્ટિસ અનુભા રાવત ચૌધરીની બેંચે ઈડી પાસેથી 9 ફેબ્રુઆરી સુધીમાં જવાબ દાખલ કરવાનો નિર્દેશ આપ્યો હતો. કોર્ટે આગામી સુનાવણી માટે 12 ફેબ્રુઆરીની તારીખ નક્કી કર્યો હતો.
અગાઉ સુપ્રીમ કોર્ટે હેમંત સોરેનની અરજી પર સુનાવણી કરવાનો ઈન્કાર કરી દીધો હતો અને તેમને હાઈકોર્ટમાં જવાનો નિર્દેશ આપ્યો હતો. મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપ્યા બાદ બુધવારે રાત્રે મની લોન્ડરિંગ કેસમાં સોરેનની ધરપકડ કરવામાં આવી હતી. કથિત જમીન છેતરપિંડી કેસ સંબંધિત મની લોન્ડરિંગના આરોપમાં સાત કલાકથી વધુની પૂછપરછ પછી ઈડીએ બુધવારે હેમંત સોરેનની ધરપકડ કરી હતી.
રાંચીની વિશેષ પીએમએલએ કોર્ટે શુક્રવારે કથિત લેન્ડ સ્કેમ કેસ સાથે જોડાયેલા મની લોન્ડ્રિંગ કેસમાં ધરપકડ કરાયેલા સોરેનને પાંચ દિવસ માટે ઈડીની કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા. આ વચ્ચે રાજ્યસભાના સભ્ય અને વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે રવિવારે આરોપ મૂક્યો હતો કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેનને જે કેસમાં ધરપકડ કરવામાં આવી છે તેમાં ‘ફસાવવા’ માટે પુરાવા ‘બનાવટ’ કરી રહી છે.