ગરમી કાળઝાળ : છેલ્લાં એક દાયકામાં રાજકોટ અને અમદાવાદ હાલત શું થઈ જુઓ…
હવામાન ખાતાના નિષ્ણાતો કહે છે કે સુર્યાસ્ત પછી પણ વાતાવરણ ગરમ લાગે છે
હજુ તો ઉનાળાની શરૂઆત થઇ છે ત્યાં જ સુરજ દેવતા પોતાના અસલી સ્વરૂપમાં આવી ગયા છે અને પોતાના આકરાં મિજાજનો પરિચય રાજકોટવાસીઓને આપવા લાગ્યા છે. રાજકોટમાં તાપમાનનો પારો ૪૦ ડીગ્રીને પાર કરી ગયો છે અને હજુ આખો ઉનાળો બાકી છે તેથી આવનારા દિવસો કેવા હશે તે વિચારીને જ લોકોને પરસેવો વળવા લાગ્યો છે. આંકડાઓ કહે છે કે, છેલ્લા દસ વર્ષમાં રાજકોટ અને અમદાવાદે સૌથી વધુ ગરમીનો અનુભવ કર્યો છે અને તાપમાનનો પારો સતત ઉંચોને ઉંચો જતો અનુભવ્યો છે.
ભારતીય હવામાન વિભાગનો ડેટા એવું જણાવે છે કે, છેલ્લા કેટલાંક દાયકામાં ગુજરાતના મહત્તમ તાપમાનમાં વધારો જોવા મળ્યો છે. અને તેમાં પણ ૨૦૧૩થી ૨૦૨૪ના સમયગાળામાં મહત્તમ તાપમાન હોય તેવા વધુ દિવસો નોંધાયા છે. અમદાવાદમાં શિયાળામાં મહત્તમ તાપમાન પણ વધુ નોંધાઈ રહ્યું છે તો રાજકોટમાં ઉનાળામાં મહત્તમ તાપમાન ઉંચે ને ઉંચે જઈ રહ્યું છે.
હવામાન વિભાગના નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, મહત્તમ તાપમાન વધવા પાછળ ઘણા કારણો જવાબદાર છે. ખાસ કરીને હવાનું પ્રદુષણ અને વધતી જતી વસતિ મુખ્ય કારણ છે.વધુ મહત્વની વાત એ છે કે લઘુત્તમ તાપમાન પણ વધી રહ્યું છે અને સુર્યાસ્ત પછી પણ વાતાવરણમાં ગરમી અનુભવાઈ રહી છે.
દરમિયાન હવામાન ખાતાએ આગામી 5 દિવસ સુધી રાજ્યના 6 જિલ્લામાં ભારે ગરમી પડવાની આગાહી કરી છે. આજથી 5 દિવસ સુધી કચ્છ, રાજકોટ, પોરબંદર, ગીર સોમનાથ, અમરેલી અને જુનાગઢ જિલ્લામાં સખત ગરમી પડી શકે છે તેવું હવામાન ખાતાએ જણાવ્યું છે.
