દેશમાં શહેરી બેરોજગારી દરમાં શું થયો ફેરફાર ? જુઓ
દેશમાં મોંઘવારીની ફરિયાદો વચ્ચે એક સારા સમાચાર બહાર આવ્યા હતા. સરકારી સર્વેના પરિણામો દર્શાવે છે કે દેશમાં શહેરી બેરોજગારી દર નાણાકીય વર્ષ 2025 ના પ્રથમ ક્વાર્ટરમાં 6.6 ટકા જેટલો નજીવો ઘટી ગયો હતો. જે અગાઉના ક્વાર્ટરમાં 6.7 ટકા હતો.
આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલ સામયિક શ્રમ દળ સર્વેક્ષણ મુજબ, બેરોજગારી દર ગયા વર્ષની સરખામણીએ યથાવત છે જ્યારે વિકાસ દર વધીને 8.2 ટકા થયો હતો. પુરુષોના-મહિલાઓના બેરોજગારી દરમાં ઘટાડો થયો છે.
પુરૂષ બેરોજગારી દરમાં ઘટાડો
પુરૂષ બેરોજગારીનો દર અગાઉના ક્વાર્ટરમાં 6.1 ટકાની સરખામણીએ ઘટીને 5.8 ટકા થયો છે. જો કે, આ સમયગાળા દરમિયાન, મહિલા બેરોજગારી ચાર ક્વાર્ટરમાં 9 ટકાના સર્વોચ્ચ સ્તરે વધી હતી. નાણાકીય વર્ષ 2024 ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં, મહિલા બેરોજગારી દર સર્વોચ્ચ સ્તરે હતો, એટલે કે 9.1 ટકા હતો.
મહિલાઓ માટે શ્રમ દળની ભાગીદારીનો દર પણ નાણાકીય વર્ષ 2025 ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ઘટીને 25.2 ટકા થયો હતો જે અગાઉના મહિનામાં 25.6 ટકા હતો, પરંતુ ત્રણ ક્વાર્ટરમાં તે 25 ટકાથી ઉપર રહ્યો હતો. બીજી બાજુ, FY24 ના છેલ્લા ત્રિમાસિક ગાળામાં પુરૂષ શ્રમ દળની ભાગીદારી 74.4 ટકાથી વધીને 74.7 ટકા થઈ છે.
અર્થતંત્ર માટે સારી વાત-
અર્થતંત્ર માટે સારી બાબતોમાંની એક નિયમિત વેતન અથવા પગારદાર કામમાં ભાગીદારીમાં વધારો પણ હતો, જે ઉચ્ચ પેમેન્ટ ધરાવતા રોજગાર સૂચવે છે.
અગાઉના ચાર ત્રિમાસિક ગાળાની સરખામણીમાં હવે ઓછી મહિલાઓ સ્વ-રોજગાર ધરાવે છે. સેવા અને ઉત્પાદન ક્ષેત્રોમાં રોજગારી પણ સર્વકાલીન ઉચ્ચ સ્તરે હતી, જેમાં સેવા ક્ષેત્રના કર્મચારીઓની રોજગારી 62.4 ટકાની 12-ક્વાર્ટરની ઊંચી સપાટીએ હતી.