વીમા પોલિસીમાં શું થયા ફેરફાર ? જુઓ
વીમા સેક્ટરમાં કેટલાક મોટા ફેરફાર બુધવારે જાહેર કરાયા હતા. ઇરડાએ અલગ અલગ નિયમોને નોટિફાઈ કર્યા હતા. ઈરડાએ 19 માર્ચે એક બેઠક યોજી હતી. જેમાં વીમા નિયામકે આ મહિને વિવિધ નિયમોને મર્જ કરવાની મંજૂરી આપી હતી. જેમાં મુદત પહેલા વીમા પોલિસી સરેન્ડર કરવા અંગેનો મુદ્દો પણ શામેલ હતો. હવે 3 વર્ષ પહેલા કોઈ વીમા પોલિસી સરેન્ડર કરે તો ચાર્જ વધી જશે. 1 લી એપ્રિલથી નવા નિયમ લાગુ થઈ જશે. આમ પાકતી તારીખ પહેલા પોલિસી સરેન્ડર કરવા પર વિમાધારકને નુકસાન થશે.
ઈરડા એ એક નિવેદનમાં નવા નિયમોને સૂચિત કરવા વિશે માહિતી આપતા કહ્યું હતું કે ઈરડા (ઇન્શ્યોરન્સ પ્રોડક્ટ્સ) રેગ્યુલેશન્સ 2024માં છ રેગ્યુલેશન્સને એકીકૃત ફ્રેમવર્કમાં મર્જ કરવામાં આવ્યા છે. વીમા નિયમનકારનું કહેવું છે કે વિવિધ નિયમોને મર્જ કરવાનો હેતુ વીમા કંપનીઓને બજારની ઝડપથી બદલાતી માંગને પહોંચી વળવા, વેપાર કરવાનું સરળ બનાવવા અને વીમાની પહોંચને વિસ્તૃત કરવા સક્ષમ બનાવવાનો છે.
વીમા નિયમનકાર દ્વારા કરવામાં આવેલા આ ફેરફારો 1 એપ્રિલ, 2024 એટલે કે નવા નાણાકીય વર્ષથી લાગુ થશે. નાણાકીય વર્ષ 2023-24, 31મી માર્ચે સમાપ્ત થઈ રહ્યું છે. ઈરડા અનુસાર, નવા નિયમોનો અમલ એ સુનિશ્ચિત કરશે કે વીમા કંપનીઓ શ્રેષ્ઠ મેનેજમેન્ટ પ્રેક્ટિસનું પાલન કરે છે.
ઈરડાના નવા નિયમોમાં એક મોટો ફેરફાર પોલિસી સરેન્ડર પરના ચાર્જને લગતો છે. જો કોઈ વીમા ધારક તેની વીમા પોલિસી પાકતી તારીખ પહેલાં બંધ કરે છે, તો વીમા કંપનીઓ તેના માટે કેટલાક ચાર્જ વસૂલે છે, જેને પોલિસી સરેન્ડર ચાર્જ કહેવાય છે. ઈરડા અનુસાર, હવે જો કોઈ વીમાધારક ચોથાથી સાતમા વર્ષમાં પોલિસી સરેન્ડર કરે છે, તો સરેન્ડર વેલ્યુમાં થોડો વધારો થઈ શકે છે.