બિહારમાં મગધ એક્સપ્રેસ ટ્રેન સાથે કેવો બન્યો બનાવ ? જુઓ
દિલ્હીથી ઈસ્લામપુર જઈ રહેલી મગધ એક્સપ્રેસ ટ્રેન સાથે રવિવારે બિહારના બક્સરમાં અકસ્માત થયો હતો. રઘુનાથપુર અને ટુડીગંજ સ્ટેશન વચ્ચે અચાનક કપલિંગ તૂટી જતા ટ્રેન બે ભાગમાં વહેંચાઈ ગઈ હતી. આ ઘટનાની જાણ લોકો પાયલટને થતાં તેમણે રેલવેના ઉચ્ચ અધિકારીઓને જાણ કરી હતી. ત્યારબાદ રેલવે અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યાને ટ્રેનને આગળ મોકલવાની વ્યવસ્થા થઈ હતી. આ ઘટનાથી મુસાફરોના જીવ પડીકે બંધાયા હતા. જો કે કોઈ જાનહાનિ થઈ નથી કે કોઈ ઘાયલ થયા નહતા.
રેલવે અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ દુર્ઘટના બક્સર-ડીડીયુ પટના રેલવે સેક્શન પર થઈ હતી. તે સમયે ડાઉન મગધ એક્સપ્રેસ રઘુનાથપુર સ્ટેશનથી ટુડીગંજ તરફ જઈ રહી હતી અને આ અકસ્માત થયો હતો. આ ટ્રેનનું આગામી સ્ટોપ પટના હતું. અકસ્માત બાદ પાછળ રહી ગયેલા ડબામાં બેઠેલા મુસાફરોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. સદનસીબે ડબા થોડા અંતર સુધી ટ્રેક પર દોડ્યા બાદ અટકી ગયા હતા.
ટ્રેન નંબર 20802 ડાઉન મગધ એક્સપ્રેસ બરાબર 11 વાગ્યે 8 મિનિટના વિલંબ સાથે ડુમરાઉં રેલવે સ્ટેશનથી નીકળી હતી. જેવી આ ટ્રેન શરૂ થઈ કે તરત જ આ દુર્ઘટના એક મિનિટમાં થઈ ગઈ. એન્જીન આગળની બોગીઓને લઈને ઘણું દૂર નિકળી ગયું હતું. જેના કારણે ટ્રેનમાં બેઠેલા મુસાફરોમાં ફફડાટ ફેલાયો હતો.