કાનપુર પાસે ટ્રેન સાથે શું થઈ છેડછાડ ? કેટલા પકડાયા ? જુઓ
ઉત્તર પ્રદેશના કાનપુર જિલ્લામાં એક મોટી ટ્રેન દુર્ઘટના ટળી ગઈ હતી. પ્રયાગરાજથી ભિવાની જતી કાલિંદી એક્સપ્રેસ ટ્રેનના આગળના પાટા પર એલપીજી સિલિન્ડર મૂકવામાં આવ્યું હતું, જેને જોઈને ડ્રાઈવરે ઈમરજન્સી બ્રેક લગાવી અને સિલિન્ડર તેની સાથે અથડાઈને દૂર જઈને પડ્યું હતું. ટ્રેક પર પેટ્રોલની બોટલ અને માચીસ પણ મળી આવ્યા હતા. ટ્રેનને ઉથલાવવાનું ષડયંત્ર હતું તેમ માનવામાં આવે છે. આતંકીઓનો દોરીસંચાર પણ હોઇ શકે છે અને એ દિશામાં એટીએસ તથા એનઆઈએ દ્વારા તપાસ થઈ રહી છે. બે હિસ્ટ્રીશીટરની ધરપકડ થઈ છે. એફઆઇઆર દાખલ કરી દેવાઈ છે.
રેલવેએ આ મામલે અજાણ્યા લોકો વિરુદ્ધ એફઆઇઆર દાખલ કરી છે. આ મામલાની તપાસ માટે વરિષ્ઠ અધિકારીઓના નેતૃત્વમાં પાંચ ટીમો બનાવવામાં આવી છે. આ ઘટનામાં આતંકવાદીઓની સંડોવણીની શક્યતાને જોતા, આતંકવાદ વિરોધી ટુકડીએ પણ આ મામલે અલગથી તપાસ શરૂ કરી છે.
મોટી દુર્ઘટના થઈ જાત
સંયુક્ત સીપી હરીશચંદ્રએ કહ્યું હતું કે સિલિન્ડર એન્જિનમાં ફસાઈને ફાટ્યો નહીં નહીતર તો મોટી દુર્ઘટના થઈ શકી હોત. આ ઉપરાંત, અચાનક ઇમરજન્સી બ્રેક લગાવવાને કારણે ટ્રેન પાટા પરથી ઉતરી શકે છે. ટ્રેન લગભગ 20 મિનિટ સુધી ઘટનાસ્થળે ફસાયેલી રહી અને પછી તપાસ માટે બિલ્હૌર સ્ટેશન પર રોકી દેવામાં આવી હતી.
તપાસ માટે પાંચ ટીમો બનાવી
દરમિયાન, સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે રેલ્વેએ શિવરાજપુરમાં અજાણ્યા લોકો સામે ભારતીય ન્યાય સંહિતા, વિસ્ફોટકો અધિનિયમ અને રેલવે અધિનિયમની સંબંધિત કલમો હેઠળ એફઆઈઆર નોંધાવી છે. આરોપ છે કે પેટ્રોલથી ભરેલી બોટલ અને એલપીજી સિલિન્ડરને ટ્રેક પર મૂકીને વિસ્ફોટ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે આ મામલાની તપાસ માટે વરિષ્ઠ અધિકારીઓના નેતૃત્વમાં પાંચ ટીમો બનાવવામાં આવી છે.
સિંહે કહ્યું કે આ ઘટનામાં આતંકવાદીઓની સંડોવણીની સંભાવનાને જોતા, આતંકવાદ વિરોધી ટુકડીએ પણ આ મામલે અલગથી તપાસ શરૂ કરી છે. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું કે આસપાસના વિસ્તારોમાં લોકોની પૂછપરછ કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે. તેમણે જણાવ્યું કે ઘટનાસ્થળેથી મીઠાઈનો બોક્સ મળ્યા બાદ પોલીસની એક ટીમને કન્નૌજ પણ મોકલવામાં આવી છે.