રાજસ્થાન વિષે શું થઈ ઘાતક આગાહી ? વાંચો
ગરમી ક્યાં કેટલી છે ?
દેશના મોટાભાગના રાજ્યોમાં અતિ ભયાનક ગરમી પડી રહી છે અને હવે તે માનવઘાતક બની રહી છે. રાજસ્થાનના 19 શહેરોમાં પારો 45 ને પાર રહ્યો છે અને આગામી દિવસોમાં અહીં 50 ડિગ્રી સુધી પારો જઈ શકે છે તેવી આગાહી કરાઇ હતી. હવામાન વિભાગે રાજસ્થાન, પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં ચાર દિવસ માટે હીટવેવનું રેડ એલર્ટ જાહેર કર્યું હતું. યુપી પંજાબ સહિતના રાજ્યોમાં રેડ એલર્ટ અપાયું હતું. રાજસ્થાનમાં એક મજૂરનું મૃત્યુ થઈ ગયું હતું. બીજી બાજુ કેરળમાં ભારે વરસાદને પગલે 4 લોકોના મોત થઈ ગયા હતા.
જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ગુજરાત, મધ્ય પ્રદેશ, દિલ્હી અને મહારાષ્ટ્રમાં પણ હીટ વેવનું એલર્ટ છે. બુધવારે દેશનું સૌથી ગરમ શહેર રાજસ્થાનનું બાડમેર હતું. અહીં મહત્તમ તાપમાન 48 ડિગ્રી નોંધાયું હતું. ગુરુવારે દિલ્હીમાં પારો 44 ને પાર થઈ ગયો હતો.
રાજસ્થાનમાં આગામી દિવસોમાં તાપમાન 50 ડિગ્રી સુધી પહોંચી શકે છે. બુધવારે રાજ્યના 19 શહેરોમાં તાપમાન 45 ડિગ્રીથી ઉપર નોંધાયું હતું. રાજસ્થાનના બાલોત્રા જિલ્લામાં નિર્માણાધીન રિફાઈનરીમાં કામ કરતા એક મજૂરનું ગરમીને કારણે મોત થયું હતું.
હવામાન વિભાગે કહ્યું છે કે રાજસ્થાન, ગુજરાત, હરિયાણા, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશમાં આગામી 5 દિવસ સુધી તાપમાન 44 ડિગ્રીથી ઉપર રહેશે. જ્યારે પંજાબ, દિલ્હી, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, ઓડિશા, તેલંગાણામાં તાપમાન 40 થી 44 ડિગ્રીની વચ્ચે રહેશે.
કેરળમાં ભારે વરસાદ ; 4 ના મોત
દેશના મોટાભાગના રાજ્યોમાં ભારે ગરમી પડી રહી છે ત્યારે કેરળમા તો હવામાન સાવ બદલાઈ ગયું હતું અને ભારે વરસાદ પડ્યો હતો. ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા અને જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. વરસાદી દુર્ઘટનાઓમા 4 લોકોના મોત થઈ ગયા હતા. આ ઉપરાંત કર્ણાટકમાં પણ ભારે વરસાદની આગાહી કરાઇ હતી.