યુપીમાં ભાજપના ધારાસભ્ય સાથે શું બન્યું ? કેમ થયો ગોળીબાર ? જુઓ
યુપીના શહેરોમાં અપરાધખોરીએ માઝા મુકી છે અને ગુંડાઓ બેફામ બન્યા છે. લખીમપુર ખીરી જિલ્લામાં પત્ની સાથે નાઈટ વૉક પર નીકળેલા ભાજપના ધારાસભ્ય સૌરભ સિંહ સાથે વિવાદ બાદ યુવકોએ હવામાં ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગની સૂચના મળતા જ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી અને તપાસ શરૂ કરી દીધી હતી. જો કે કોઈને ઇજા થઈ નહતી.
પોલીસ આસપાસના સીસીટીવી ફૂટેજ શોધી રહી છે અને યુવકોને ઓળખ માટેના પ્રયાસો હાથ ધરાયા છે. જે સમયે ઘટના ઘટી તે સમયે ધારાસભ્યનો ગનર થોડે દૂર હતો. ધારાસભ્યના ઘર પાસે દારૂ નહીં પીવા સૂચના આપતા ગોળીબાર થયો હતો.
આ ઘટના બુધવારે મોડી રાત્રે શહેરના શિવ કોલોનીમાં બની હતી. લખીમપુરના કસ્તાના ધારાસભ્ય સૌરભ સિંહ સોનુ રાત્રે જમ્યા બાદ પત્ની સાથે ઘરની બહાર નાઈટ વૉક કરી રહ્યા હતા. ઘરની નજીક જ સો મીટર દૂર શંકાસ્પદ હાલતમાં ઉભેલા યુવકોએ ધારાસભ્ય સાથે વિવાદ કર્યો હતો.
ધારાસભ્યએ જણાવ્યું કે, જ્યારે મેં તેમને ફટકાર લગાવી ત્યારે તેઓએ હવામાં ફાયરિંગ કર્યું અને ભાગી ગયા. ફાયરિંગની સૂચના મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. ધારાસભ્યએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.