યુપીના સંભલ જવા નિકળેલા રાહુલ,પ્રિયંકા સાથે શુ થયું ? વાંચો
બુધવારે કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી કાર્યકરોના કાફલા સાથે દિલ્હીથી સંભલ જવા રવાના થયા હતા પણ એમનો આ પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો અને પોલીસે એમને ગાઝીપૂર સીમા પાસે જ અટકાવી દીધા હતા અને ભારે હંગામો મચી ગયો હતો. રાહુલ સંભલ હિંસાના પીડિતોને મળવા માટે નીકળ્યા હતા. એમની સાથે કાર્યકરો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા.
પોલીસ અધિકારીઓએ રાહુલ અને પ્રિયંકા તથા કોંગ્રેસના અન્ય નેતાઓને એમ કહ્યું હતું કે કાયદા મુજબ અમે કોઈને સંભલ જવા દેશું નહીં. 10 મી ડિસેમ્બર સુધી ત્યાં જવા પર પ્રતિબંધ છે અને 163 મી કલમ લાગુ કરવામાં આવી છે. આ બબાલ ચાલતી હતી ત્યારે ટ્રાફિક જામ થઈ ગયો હતો અને લોકો ફસાઈ ગયા હતા. મોટા પ્રમાણમાં પોલીસ કાફલો ખડકાઈ ગયો હતો અને બેરીકેડ લગાવી દેવાઈ હતી.
4 લોકોને જવા દેવા અપીલ કરી
કાફલાને રોકવામાં આવ્યો ત્યારે રાહુલ ગાંધી સાથે રહેલા અન્ય નેતાઓએ પોલીસના વરિષ્ઠ અધિકારીઓને એવી દરખાસ્ત કરી હતી કે કાયદા મુજબ 4 લોકોને જવા દેવાની મંજૂરી આપવામાં આવે. આખો કાફલો લઈ જવામાં નહીં આવે. જો કે આ દરખાસ્ત પણ નામંજૂર રખાઇ હતી.
રાહુલે કહ્યું, પોલીસની ગાડીમાં મને એકલાને લઈ જાઓ !
પરવાનગી આપવાની ના પાડવામાં આવી ત્યારબાદ રાહુલ ગાંધીએ પોલીસ અધિકારીઓને એવી અપીલ કરી હતી કે 4 નહીં તો મને એકલાને પોલીસની ગાડીમાં લઈ જાઓ અને હું પીડિતોને મળીને પોલીસની ગાડીમાં જ પાછો ફરીશ. જો કે આ અપીલ પણ સ્વીકારવામાં આવી નહતી. ત્યાર બાદ રાહુલે કહ્યું હતું કે વિપક્ષના નેતા તરીકે મને નહીં જવા દેવાનો નિર્ણય બંધારણનું અપમાન છે.
જામમાં અટવાયેલા લોકો અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઝડપ
ટ્રાફિકજામમાં અટવાયેલા લોકોએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વિરુદ્ધ પણ સૂત્રોચ્ચાર કર્યા હતા. કોંગ્રેસના સમર્થકોએ નારેબાજી કરનારા લોકોને માર માર્યો હતો. આ પછી સામાન્ય લોકો અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું. સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો. . કોંગ્રેસ કાર્યકર્તાઓ અને મુસાફરી કરી રહેલા લોકો વચ્ચે ઘર્ષણનો વીડિયોમાં જોવા મળે છે કે, કોંગ્રેસના સમર્થકો નારેબાજી કરતાં કેટલાક લોકોને હટાવી રહ્યા છે અને તેમની સાથે ઝઘડો કરી રહ્યાં છે. જ્યારે કોંગ્રેસના સમર્થકો અમુક લોકો સાથે મારામારી પણ કરી રહ્યા છે અને ધક્કો મારીને ત્યાથી હટાવી રહ્યા છે.