બિહારમાં પીકેની શું હાલત થઈ ? નવી પાર્ટીનો કેવો રહ્યો દેખાવ ? વાંચો
બિહાર પેટાચૂંટણીના પરિણામથી જનસુરાજ પાર્ટીના સંસ્થાપક પ્રશાંત કિશોરને ઊંડો આંચકો લાગ્યો છે. બિહારની 4 બેઠકોના પરિણામોએ પીકેને એ વિચારવા મજબૂર કરી દીધા છે કે તેમની ભવિષ્યની રાજનીતિ શું હશે? બિહારની 4 બેઠકો પરની પેટા ચુંટણીમાં પીકેની નવી પાર્ટીની શરમજનક હાર થઈ છે. રાષ્ટ્રીય પાર્ટીઓને જિતાડવા માટે યોગદાન આપનાર પીકે પોતાની જ આબરૂ બચાવી શક્યા નથી.
સવાલ એવા પણ ઉઠે છે કે શું પ્રશાંત કિશોર ભવિષ્યમાં એકલા ચૂંટણી લડશે કે સાથી પક્ષો સાથે મળીને ચૂંટણી લડશે? કે પછી તે પ્લુરલ્સ પાર્ટીના પુષ્પમ પ્રિયા ચૌધરીની જેમ ‘વરસાદી’ રાજનીતિ કરવા બિહાર આવશે? પ્રશાંત કિશોરની પાર્ટી જનસુરાજ તરરી, રામગઢ, ઈમામગંજ અને બેલાગંજમાં ખરાબ રીતે હારી ગઈ છે. હાર પણ એવી છે કે પીકે તેને ઝડપથી ભૂલી જવાની કોશિશ કરે તો પણ ભૂલાય નહીં. ચૂંટણી પહેલા જ ચારેય બેઠકો પર જીતનો દાવો કરનાર પીકે રાજકારણમાં ‘એટમ બોમ્બ’ ફોડવા આવ્યા હતા અને લવિંગિયા પણ ફુટ્યા નથી !
કેવી રીતે હવા નીકળી ?
તરરી વિધાનસભા સીટ પર પ્રશાંત કિશોરની પાર્ટી જુનસુરાજ પાર્ટીના ઉમેદવારને માત્ર 5 હજાર 622 વોટ મળ્યા અને તેઓ ત્રીજા સ્થાને સરકી ગયા. ઈમામગંજ સીટ પર જનસુરાજ પણ ત્રીજો પક્ષ હતો. જો કે આ સીટ પર પાર્ટીના ઉમેદવારને 37 હજાર 103 વોટ મળ્યા હતા. તે જ સમયે, રામગઢ બેઠક પરથી પાર્ટીના ઉમેદવારને 6 હજાર 513 વોટ મળ્યા અને તે ચોથા સ્થાને રહ્યા. બેલાગંજ સીટ પર પાર્ટીના ઉમેદવારને 17 હજાર 285 વોટ મળ્યા અને ત્રીજા ક્રમે રહ્યા. આ ચૂંટણીમાં જનસુરાજને કુલ 66 હજાર 523 મત મળ્યા હતા. એટલે કે પીકેની પાર્ટીને ચારેય બેઠકો પર એક લાખ મત પણ મળ્યા નથી.