દેશમાં એક રાષ્ટ્ર એક ચુંટણી અંગે શું થયું ?…જુઓ
૨૦૨૯ માટે વન નેશન વન ઇલેક્શનનો તખ્તો ઘડાઈ રહ્યો છે
પૂર્વ રાષ્ટ્રપતિ કોવિન્દના નેજા હેઠળની પેનલે સુપ્રત કરેલા અહેવાલમાં ભલામણ: અબજોનો ખર્ચ અને હિંસાથી છુટકારો મળશે: એક રાષ્ટ્ર એક ચુંટણીની પદ્ધતિ ઘણી ફાયદાકારક: પ્રથમ તબક્કામાં લોકસભા સાથે તમામ વિધાનસભાની ચુંટણી: બીજા તબક્કામાં પાલિકા-પંચાયતોની ચુંટણી થઈ શકે
દેશમાં અબજો રૂપિયાનો ખર્ચ બચાવવા અને આવા અન્ય અનેક લાભ ખાતર તમામ ચુંટણીઓ એકસાથે થઈ શકે કે કેમ? તે બાબતની સમીક્ષા કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા રચાયેલી પૂર્વ રાષ્ટ્રપતિ કોવિન્દના વડપણ હેઠળની પેનલ દ્વારા ગુરુવારે પોતાનો મહત્વનો અહેવાલ રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુને સોંપી દેવાયો હતો અને તેમાં તમામ ચુંટણીઓ એકસાથે કરાવવાની ભલામણ કરવામાં આવી હતી. જો કે તેના માટે બંધારણમાં સુધારા કરવાની પણ જરૂરિયાત હોવાનું દર્શાવાયું હતું. આમ ૨૦૨૯માં વન નેશન વન ઇલેક્શનનો તખ્તો ઘડાઈ રહ્યો છે.
વન નેશન વન ઇલેક્શનના નામથી આ કમિટી બનાવવામાં આવી હતી. સમિતિની સર્વ સંમતિથી થયેલી ભલામણ મુજબ એક રાષ્ટ્ર એક ચુંટણી અંતર્ગત પ્રથમ તબક્કામાં લોકસભાની સાથે તમામ વિધાનસભાની ચુંટણીઓ કરાવવામાં આવે અને બીજા તબક્કામાં નગર પાલિકા અને પંચાયતની ચુંટણીઓ કરાવવામાં આવે તો દેશને ઘણો ફાયદો થઈ શકે છે.
સમિતિએ રીપોર્ટમાં એમ કહ્યું છે કે, વારંવાર અલગ-અલગ ચુંટણીઓ થવાથી આમ મતદારો વચ્ચે વોટિંગને લઈને ઉદાસીનતા થઈ જાય છે. એકવાર મત દઈને તમામ પ્રતિનિધિઓને ચૂંટી લેવામાં સુવિધા પણ વધુ રહેશે. એકસાથ ચુંટણી થાય તો આર્થિક ફાયદો રહેશે અને સ્થિરતા પણ આવશે. અર્થતંત્ર પર હકારાત્મક અસર પડશે. સરકારી તિજોરી પર પડતો વધારાનો બોજો દૂર થશે.
સાથોસાથ એકસાથે બધી જ ચુંટણીઓ કરાવવામાં આવે તો ચુંટણી દરમિયાન હિંસા અને અપરાધખોરીમાં પણ ઘણો ઘટાડો થશે. દર પાંચ વર્ષે એક જ ચુંટણી થાય તો સામાજિક તાલમેલ વધી જશે. ચુંટણી દરમિયાન થનારા અનાવશ્યક સંઘર્ષો ટાળી શકાશે.
મતદારોને વોટર ફોટો આઇડેન્ટિટી કાર્ડ આપવામાં આવે
હાઇ લેવલની પેનલે પોતાના અહેવાલમાં એક રાષ્ટ્ર એક ચુંટણી અન્વયે એવી મહત્વની ભલામણ પણ કરી હતી કે, સમગ્ર પ્રક્રિયાને સરળ બનાવવા માટે મતદારોને ખાસ પ્રકારના ઇલેક્ટર ફોટો આઇડેન્ટિટી કાર્ડ આપવામાં આવે તે જરૂરી છે. તેના દ્વારા તમામ ચુંટણીઓ માટે એક જ મતદાર યાદી કામ કરશે. દેશની તમામ ચુંટણીઓમાં મતદારો વોટર કાર્ડથી મત આપી શકશે.