દાના વાવાઝોડાથી શું થયું ? કેટલી ઝડપ હતી ? વાંચો
બંગાળની ખાડીમાંથી ઉદભવેલું ચક્રવાતી તોફાન ‘દાના’ ગુરુવારે રાત્રે 12:05 કલાકે 110 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઓડિશાના દરિયાકાંઠે અથડાયું હતું. વાવાઝોડાની લેન્ડફોલ પ્રક્રિયા સવારે લગભગ 8:30 વાગ્યે સમાપ્ત થઈ ગઈ હતી. તોફાનની ઝડપ 8:30 કલાકમાં 110 કિમીથી થી ઘટીને 10 કિમી થઈ ગઈ હતી. જો કે શુક્રવારે પણ ઓડિશા, બંગાળ સહિતના રાજ્યોમાં વરસાદ ચાલુ રહ્યો હતો. તોફાનમાં અનેક વૃક્ષો પડી ગયા હતા અને વાહનોને પણ નુકસાની થઈ હતી પણ સદનસીબે જાનહાની થઈ નહતી.
‘દાના’ની અસરને કારણે ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં ભારે વરસાદ પડી રહ્યો હતો. ભદ્રક, કેન્દ્રપરામાં વધુ વરસાદ હતો. સીએમ મોહન ચરણ માઝીએ કહ્યું હતું કે 5.84 લાખ લોકોને રાહત શિબિરોમાં ખસેડવામાં આવ્યા છે. અનેક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થયા હતા અને વાહનોને પણ નુકસાન થયું હતું.
ફ્લાઇટ, ટ્રેનો શરૂ
કોલકાતા અને ભુવનેશ્વર એરપોર્ટ પર શુક્રવારે ફ્લાઈટ ઓપરેશન શરૂ થઈ ગયું હતું. પ્રથમ ફ્લાઈટ કોલકાતાથી સવારે 8.40 વાગ્યે રવાના થઈ હતી. તે જ સમયે, રેલ્વેએ કહ્યું કે રદ કરાયેલી ટ્રેનો સિવાય, ઓડિશા અને પશ્ચિમ બંગાળ જતી બાકીની ટ્રેનો સમયપત્રક મુજબ ચાલી રહી છે.
કયા રાજ્યોમાં અસર દેખાઈ
ઓડિશા ઉપરાંત પશ્ચિમ બંગાળ, આંધ્રપ્રદેશ, ઝારખંડ, બિહાર, છત્તીસગઢ અને તમિલનાડુમાં પણ વાવાઝોડાની અસર જોવા મળી હતી. આ રાજ્યોમાં વરસાદ રહ્યો હતો. ભારે પવન પણ ફૂંકાયો હતો. પશ્ચિમ બંગાળ સરકારે 83 હજાર લોકોને રાહત શિબિરમાં પહોંચાડ્યા હતા.