બાંગ્લાદેશમાં ચિન્મય દાસ સાથે શું થયું ? કેવો થયો અન્યાય ? જુઓ
બાંગ્લાદેશની કોર્ટે હિન્દુ સંત ચિન્મય કૃષ્ણ દાસને મોટો ઝટકો આપ્યો હતો. ગુરુવારે કોર્ટે તેમની જામીન અરજી ફગાવી દીધી હતી. હવે હિન્દુ સંતના વકીલ હાઈકોર્ટ જવાની તૈયારી કરી રહ્યા છે. ઇસ્કોનના પૂર્વ સદસ્યને સઘન સુરક્ષા વચ્ચે સુનાવણી માટે કોર્ટમાં લાવવામાં આવ્યા હતા.
સરકારી વકીલ એડવોકેટ મુફિઝુલ હક ભુઈયાંએ જણાવ્યું કે, ચટગાંવ મેટ્રોપોલિટન સેશન્સ જજ મોહમ્મદ સૈફુલ ઈસ્લામે લગભગ અડધા કલાક સુધી બંને પક્ષોની દલીલો સાંભળી. ત્યારબાદ દાસની જામીન અરજી ફગાવી દેવામાં આવી હતી.
દાસના વકીલ અપૂર્વ કુમારે કહ્યું કે, હવે જામીન માટે હાઈકોર્ટનો દરવાજો ખખડાવાની યોજના બનાવવામાં આવી રહી છે. દાસની ઢાકા પોલીસે 25 નવેમ્બરે રાજદ્રોહના આરોપમાં ધરપકડ કરી હતી.
એક દિવસ પહેલા અપૂર્વએ જાણકારી આપી હતી કે, ‘અમે એનજીબી ઓક્યા પરિષદના બેનર હેઠળ ચટગાંવ આવ્યા છીએ અને ચિન્મયના જામીન માટે કોર્ટમાં જઈશું. ‘મને પહેલાથી જ ચિન્મય પાસેથી પાવર ઓફ એટર્ની મળી ચૂકી છે. હું સુપ્રીમ કોર્ટ અને ચટગાંવ બાર એસોસિએશનનો સભ્ય છું. આવી સ્થિતિમાં કેસને આગળ વધારવા માટે મને કોઈ પણ સ્થાનિક વકીલની મહોરની જરૂર નથી.