લોકસભામાં સત્રના પ્રથમ દિવસે શું થયું ? કઈ બાબતે હંગામો થયો ? વાંચો
લોકસભામાં બજેટ સત્રની શરૂઆતમાં જ સોમવારે પ્રથમ દિવસે ભારે હોબાળાની સ્થિતિ જોવા મળી હતી. નીટ પેપર લીક મામલે સરકારને વિપક્ષે ઘેરવાનું શરૂ કરતાં વિપક્ષ વતી રાહુલ ગાંધીએ મોરચો સંભાળ્યો હતો તેમણે સરકારને તીખાં સવાલો પૂછ્યાં હતા. રાહુલે કહ્યું કે સરકાર જણાવે કે તે પેપર લીકને રોકવા માટે શું કરી રહી છે? લાખો બાળકોના ભવિષ્ય માટે આ સવાલ છે. પરીક્ષા વ્યવસ્થામાં મોટાપાયે ગરબડ થઈ રહી છે. પૈસાના જોરે પરીક્ષાનો સોદો થતો હોય તેવું દેખાય છે. પ્રથમ જ દિવસે હંગામાં અને આક્ષેપોનું પૂર આવ્યું હતું અને વિપક્ષી વાદળ ગર્જી ઉઠયા હતા.
એ જ રીતે સપાના વડા અને સાંસદ અખિલેશ યાદવે શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગણી કરી હતી અને ત્યારે પણ ગૃહમાં ભારે દેકારો બોલી ગયો હતો અને શાસક, વિપક્ષના સભ્યો વચ્ચે દલીલબાજી થઈ હતી.
રાહુલ ગાંધીએ આક્રમક અંદાજમાં કહ્યું કે મુદ્દો એ છે કે દેશમાં લાખો વિદ્યાર્થીઓ છે. જે એ વાતથી ચિંતિત છે કે શું થઈ રહ્યું છે અને તેમને વિશ્વાસ છે કે ભારતની એક્ઝામ સિસ્ટમ એક દગા સમાન બની ગઈ છે. લાખો લોકો હવે એવું માને છે કે જો તમે ધનિક છો અને તમારી પાસે પૈસા છે તો તમે ભારતની આ એક્ઝામ સિસ્ટમને ખરીદી શકો છો. વિપક્ષ પણ આવુ જ વિચારે છે. રાહુલે એમ પણ કહ્યું હતું કે બધી જ પરિક્ષાઓમાં આવું થઈ રહ્યું છે.
પેપર લીક અંગે કોઈ પુરાવા નથી
નીટ પેપર લીક મામલે વિપક્ષના આક્ષેપોનો જવાબ આપતાં શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે, ‘છેલ્લા સાત વર્ષમાં પેપર લીક અંગે કોઈ પુરાવા નથી. આ કેસ પહેલાથી જ સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે. ચીફ જસ્ટિસ તેના પર સુનાવણી કરી રહ્યા છે. એનટીએ પછી 240 પરીક્ષાઓ થઈ છે. 5 કરોડથી વધુ વિદ્યાર્થીઓએ અરજી કરી હતી અને 4.5 કરોડથી વધુ વિદ્યાર્થીઓએ તેમાં ભાગ લીધો હતો. ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે રાહુલ ગાંધીનું નિવેદન તદ્દન ખોટું છે. તેમણે સંપૂર્ણ પરીક્ષા પદ્ધતિ પર સવાલ ન ઊઠાવવા જોઈએ. પેપર લીક થયાના કોઈ પુરાવા નથી. હાં હું એ વાત સ્વીકારું છે કે અમુક જગ્યાએ ગરબડ થઈ છે.