ઉત્તરાખંડમાં કેવી હાલત થઈ ? ભુપ્રપાતને લીધે શું થયું ? જુઓ
ઉત્તરાખંડના પહાડી રાજ્યમાં ભારે વરસાદના કારણે ભુસ્ખલનની સંખ્યા સતત વધી રહી છે, અનેક વિસ્તારોમાંથી ભૂસ્ખલનની ડરામણી તસવીરો સામે આવી હતી. શનિવારે પણ કેટલીક જગ્યાએ રસ્તાઓ પર પૂરના કારણે રસ્તો બંધ થઈ ગયો હતો તો કેટલીક જગ્યાએ આ સંકટ લોકોના જીવનને ભારે નુકસાન પહોંચાડી રહ્યું છે. ચંપાવતમાં એક વ્યક્તિનું મોત થયું હતુ. અનેક જિલ્લાઓમાં પાણી દુકાનો અને મકાનોમાં ઘૂસી ગયા હતા. જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું.અનેક ગામ સંપર્કવિહોણા બની ગયા હતા. ચારેકોર પાણી અને કાટમાળની નદી જ વહી રહી હતી.
કોર્બેટ શહેરના રામનગરમાં એક જીપ્સી નદીમાં ધોવાઈ ગઈ હતી. ટિહરી, ચંપાવત, પિથોરાગઢ અને બાગેશ્વરમાં ભૂસ્ખલનના અહેવાલો છે. અલ્મોડામાં અવિરત વરસાદ બાદ હાઈવે બ્લોક થઈ ગયો હતો. ઋષિકેશમાં પણ ગંગા નદીના જળસ્તરમાં વધારો થયો છે અને બાગેશ્વરમાં ગોમતી અને સરયૂ નદીઓનું જળસ્તર વધી રહ્યું છે.
રામનગરમાં રસ્તા પર પાણીનો પ્રવાહ પૂરપાટ ઝડપે વહી રહ્યો છે. આ જોરદાર પ્રવાહ મુસાફરોના માર્ગમાં અડચણરૂપ બન્યો છે. આ દરમિયાન રસ્તાના કિનારે ઉભેલી એક જિપ્સી પાણીના ધસમસતાં પ્રવાહમાં વહી રહી હતી. જિપ્સીમાં સવાર લોકોએ છલાંગ લગાવીને પોતાનો જીવ બચાવ્યો હતો.
શહેરોની હાલત ખરાબ
પોલીસ સતત લોકોને એલર્ટ કરી રહી છે. વરસાદ બંધ થયા બાદ પણ હાઇવે પરના કેટલાક વરસાદી નાળાઓમાંથી સતત પાણી વહી રહ્યા હતા જેથી કોઇ દુર્ઘટના ન સર્જાય તે હેતુ સાથે તમામ વરસાદી નાળાઓ પર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. તેમ છતાં અનેક વાહનચાલકો સતત જીવ જોખમમાં મુકીને મુસાફરી કરતા હોય છે. વાસ્તવમાં રામનગર અને આજુબાજુના વિસ્તારોના મોટાભાગના વરસાદી નાળાઓ હાઇવે ઉપરથી પુરપાટે વહી રહ્યા હતા. અનેક શહેરોની હાલત ખરાબ થઈ ગઈ હતી.
ભુપ્રપાત ઠેકઠેકાણે થયો હોવાથી બચાવ રાહત કાર્ય શરૂ કરી દેવાયું હતું અને અનેક માર્ગો બંધ કરી દેવાની ફરજ પડી હતી. હજુ પણ સ્થિતિ બગડી શકે છે તેવી આગાહી કરવામાં આવી હતી.