યુપીમાં શું થઈ દુર્ઘટના ? કેટલાના મોત થયા ? વાંચો
યુપીના ગોંડા પાસે ગુરુવારે ચંદીગઢ – દીબ્રુગઢ એક્સપ્રેસ ટ્રેનના 6 થી 8 ડબ્બા પાટા પરથી ઉતરી જતાં ગંભીર દુર્ઘટના સર્જાઇ હતી જેમાં 4 યાત્રિકોના મોત થયા હતા અને 20 થી વધુ ઘાયલ થયા હતા જે પૈકી 3 ની હાલત ગંભીર હોવાનું જણાવાયું હતું. ટ્રેન નંબર 15904 ચંદીગઢ-ડિબ્રુગઢ એક્સપ્રેસ દીબરૂગઢ તરફ જઈ રહી હતી ત્યારે ઝાલાહી સ્ટેશન પાસે અકસ્માતનો ભોગ બની હતી. 2 મુસાફરોના પગ પણ કપાઈ ગયા હતા. તત્કાળ રાહત બચાવ કામગીરી શરૂ કરાઇ હતી. એમ્બ્યુલન્સ અને ડોકટરોની ટીમ તાબડતોબ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. એસડીઆરએફની ટીમ પણ રાહત કાર્યમાં જોડાઈ હતી.
રેલવેએ મદદ માટે ઘણા હેલ્પલાઈન નંબર પણ જારી કર્યા હતા. રેલવે દ્વારા એક મેડિકલ વાન પણ ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી. અકસ્માત પછીનું દ્રશ્ય ખૂબ જ ભયાનક હતું કારણ કે કોચ બધે ખરાબ રીતે વિખરાયેલા હતા. રેલવે દ્વારા કહેવામાં આવ્યું છે કે આ દુર્ઘટના લગભગ 2.37 વાગ્યે થઈ હતી. ટ્રેનના 6 થી 8 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા.
15 એમ્બ્યુલન્સ, ડોકટરો પહોંચ્યા
મુખ્યમંત્રી યોગીએ તત્કાળ બચાવ કામગીરીનો આદેશ કરતાં 15 એમ્બ્યુલન્સ અને ડોકટરોની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. મંત્રીઓએ એવી માહિતી મીડિયાને આપી હતી કે એસી સહિત 6 થી 8 ડબ્બા પાટા પરથી ખડી ગયા હતા.
દુર્ઘટનામાં 20 થી વધુ મુસાફરો રીતે ઘાયલ થતાં એમને તત્કાળ સારવાર માટે ખસેડાયા હતા. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અધિકારીઓને રાહત સામગ્રી સાથે ઘટનાસ્થળે પહોંચવાના આદેશ આપ્યા હતા. રાહત કાર્ય ઝડપથી ચાલુ કરી દેવાયું હતું. પાટા પરથી ઉતરી ગયેલા કોચમાં ફસાયેલા મુસાફરોને બચાવવાની કામગીરી કરવામાં આવી હતી. નજીકના જિલ્લાઓમાંથી રાહત ટીમો પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.
અકસ્માત કે કાવતરું ?
જો કે ટ્રેન દુર્ઘટના કેવી રીતે થઈ તે અંગે કોઈ માહિતી બહાર આવી નહતી. આ ઘટના અકસ્માત છે કે કાવતરું તેવા સવાલો પણ ઊભા થયા હતા. આ અંગે રેલવેએ હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડ્યું નથી. મૃતકોની ઓળખ કરીને પરિવારજનોને જાણ કરવાની કામગીરી કરાઇ હતી. યુપીના સીએમ યોગીએ મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના દર્શાવી હતી.