સંસદમાં શું થયું ? વિપક્ષ દ્વારા શું કરાઇ માંગણી ? વાંચો
સંસદમાં વિપક્ષની ધમાલ; બંને ગૃહો મુલતવી
સંસદમાં શિયાળુ સત્ર શરૂ થતાંની સાથે જ વિપક્ષ દ્વારા આક્રમક વલણ લઈને કામકાજ ખોરવી દેવાયા છે. પહેલા દિવસથી જ સંસદના બંને ગૃહો લોકસભા અને રાજ્યસભામાં ભારે હોબાળાની સ્થિતિ જોવા મળી રહી છે. ઉત્તરપ્રદેશના સંભલમાં હિંસા અને અમેરિકા દ્વારા બિઝનેસમેન અદાણી સામે મૂકાયેલા ગંભીર આક્ષેપો બાદથી વિપક્ષ આક્રમક મૂડમાં છે. જેના લીધે બંને ગૃહોમાં ભારે હોબાળાની સ્થિતિ સર્જાતા બંને ગૃહોની કાર્યવાહી બુધવારે પણ સ્થગિત કરાઈ હતી.
અમેરિકા દ્વારા ગૌતમ અદાણી સામે અરેસ્ટ વૉરન્ટ ઈશ્યૂ કરવામાં આવ્યો છે. જેને લઈને વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ બુધવારે આક્રમક અંદાજમાં માગ કરી હતી કે અદાણીની ધરપકડ કરવામાં આવે. તેમણે સરકાર પર અદાણીને બચાવવાનો આરોપ મૂક્યો હતો. લોકસભામાં જ તેમણે આ મુદ્દો ઊઠાવ્યો હતો.
લોકસભામાં વિપક્ષના હોબાળાને કારણે કાર્યવાહી ખોરવાઈ હતી અને જે પહેલાં 12 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી. બાદમાં ફરી શરૂ થયેલા સેશનમાં હોબાળો થતાં કાર્યવાહી ગુરુવાર સુધી સ્થગિત કરવામાં આવી હતી. રાજ્યસભામાં પણ આખા દિવસ માટે કાર્યવાહી સ્થગિત થઈ હતી.
11.30 વાગ્યે રાજ્યસભાની કાર્યવાહી શરૂ થતાં જ વિપક્ષના સભ્યોએ હોબાળો શરૂ કર્યો હતો. ત્યારે રાજ્યસભાના ચેરમેન જગદીપ ધનખડે કહ્યું કે કાર્યવાહી કરવા દેવામાં આવે. ત્યારે વિપક્ષી સાંસદોએ પોઈન્ટ ઓફ ઓર્ડર રેઈઝ કરવાની વાત કહી. તેના પર જગદીપ ધનખડે કહ્યું કે જ્યારે ગૃહ વ્યવસ્થિત ચાલતુ હોય તો પોઇન્ટ ઓફ ઓર્ડરની વાત થાય. ત્યારપછી અધ્યક્ષે ગૃહની કાર્યવાહી 28મી નવેમ્બર સવારે 11 વાગ્યા સુધી કાર્યવાહી સ્થગિત કરી દીધી હતી.