મહારાષ્ટ્રમાં શું ઘટનાક્રમ ચાલ્યો ? કોણ કોને મળ્યું ? વાંચો
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ પોતાના પદ પરથી મંગળવારે રાજીનામું આપી દીધું હતું. તેમણે રાજ્યપાલને પોતાનું રાજીનામું સુપરત કર્યું હતું. જો કે મુખ્યમંત્રી પદની રેસમાં તેઓ અડગ જ રહ્યા હતા પણ મોડેથી શિંદે જુથ દ્વારા એવું નિવેદન અપાયું હતું કે અમારી કોઈ નારાજગી નથી અને મોદી- શાહનો ફેસલો અમને માન્ય રહેશે. આમ હવે મહારાષ્ટ્રમાં નવી સરકારની રચના માટેની તૈયારી ગતિશીલ બની છે. દેવેન્દ્ર ફડણવીસ જ મુખ્યમંત્રી બનશે તે વાત ફાઇનલ હોવાનું માનવામાં આવે છે.
મંગળવારે પણ આખો દિવસ ઘટનાક્રમ ચાલુ રહ્યો હતો અને બીજી બાજુ ફડણવીસ તથા અજીત પવાર રાજ્યપાલને મળ્યા હતા. દિલ્હીમાં બેઠકોનો દોર સતત ચાલુ જ રહ્યો હતો. અમિત શાહ, નડા અને રાજનાથ સિંઘ સહિતના નેતાઓ ચર્ચામાં ગૂંથાયા હતા. મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી કોણ બનશે પ્રતિક્ષા દેશભરમાં છે.
પીએમને મળવા સમય મંગાયો હતો
દરમિયાનમાં બપોરે એવા અહેવાલો બહાર આવ્યા હતા કે શિવ સેનાના નેતા એકનાથ શિંદેને જ મુખ્યમંત્રી બનાવવાની માંગણી વડાપ્રધાન સમક્ષ કરવાનો શિંદે જુથના સાંસદોએ નિર્ણય લીધો હતો અને વડાપ્રધાનનો સમય પણ માંગ્યો હતો. જો કે દર કલાકે ઘટનાક્રમ બદલાતો રહ્યો હતો. શિંદે જૂથે તલવાર મ્યાન કરી હોવાની વાત પણ બહાર આવી હતી.
ફડણવીસ શાહને મળ્યા વગર મુંબાઇ પાછા ફર્યા ?
દરમિયાનમાં અન્ય એક અહેવાલ મુજબ ભાજપના મુખ્યમંત્રી પદના મજબૂત દાવેદાર દેવેન્દ્ર ફડણવીસ સોમવારે સાંજે દિલ્હી દોડી ગયા હતા અને ટોચની નેતાગીરીએ એમને બોલાવ્યા હતા. ત્યાં બેઠકો થઈ હતી પણ ચર્ચા એવી પણ ચાલી હતી કે ફડણવીસ દિલ્હીમાં અમિત શાહને મળ્યા વિના મુંબઈ પાછા આવી ગયા હતા. સોમવારે અજીત પવાર અને શિંદે પણ દિલ્હી ગયા હતા. જો કે કોઈ નિર્ણય થયો નહતો.
અમિત શાહ કાર્યક્રમમાંથી જલ્દી ચાલ્યા ગયા
એવી વાત પણ બહાર આવી છે કે દિલ્હીમાં ઓમ બિરલાના પારિવારિક કાર્યક્રમમાં નેતાઓ એકત્ર થયા હતા અને ફડણવીસ તથા અમિત શાહ પણ ત્યાં હતા. જો કે અમિત શાહ જલ્દી ત્યાંથી નીકળી ગયા હતા અને ફડણવીસ સાથે એમની કોઈ મુલાકાત જ થઈ નહતી.
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં મહાયુતિ ગઠબંધનને જંગી બહુમતી મળી છે. શિવસેના (શિંદે જૂથ)ના વિધાયક દળના નેતા એકનાથ શિંદે ચૂંટાયા છે, જ્યારે એનસીપી (અજિત પવાર જૂથ)ના ધારાસભ્ય દળના નેતા અજિત પવાર ચૂંટાયા છે. હવે ભાજપ ધારાસભ્ય દળની બેઠક યોજાવાની છે અને નેતાની પસંદગી થવાની છે.