ટ્રમ્પ અને મસ્ક સામે અમેરિકામાં શું થયું ? કોણ ગયા કોર્ટમાં ? વાંચો
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને સરકારી કાર્યક્ષમતા વિભાગના પ્રમુખ એલન મસ્ક સામે હવે અમેરિકામાં જ બળવા જેવી સ્થિતિ બની રહી છે અને મામલો કોર્ટ સુધી લઈ જવાયો છે. અમેરિકાના 14 રાજ્યોએ ટ્રમ્પ અને મસ્ક વિરૂદ્ધ કેસ દાખલ કર્યો છે. જેમાં નવા સરકારી કાર્યક્ષમતા વિભાગના પ્રમુખ તરીકે એલન મસ્કની ભૂમિકાને પડકારવામાં આવી છે. કોર્ટમાં કેસ કરીને આરોપ લગાવાયો છે કે, મસ્કની નિમણૂક અમેરિકન બંધારણની વિરૂદ્ધ છે.

વૉશિંગ્ટન ડીસીમાં સંઘીય કોર્ટમાં ગુરૂવારે દાખલ કરવામાં આવેલી ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે, ‘સરકારને તેમના કર્મચારીઓથી વંચિત કરવા અને એક કલમ અને માઉસના એક ક્લિક કરીને આખા વિભાગોને ખતમ કરવાની મસ્કની અસીમિત અને અનિયંત્રિત શક્તિ, આ દેશની સ્વતંત્રતા જીતનારા માટે ચોંકાવનારી છે.
ન્યૂ મેક્સિકો રાજ્યના નેતૃત્વમાં દાખલ ફરિયાદમાં તર્ક આપવામાં આવ્યો છે કે, બંધારણના સંબંધિત ખંડ અનુસાર, મસ્ક જેવી વ્યક્તિને મહત્ત્વપૂર્ણ અને વ્યાપક અધિકાર ધરાવતા રાષ્ટ્રપતિ દ્વારા ઔપચારિક રીતે નામાંકિત કરવી જોઈએ અને યુએસ સેનેટ દ્વારા પુષ્ટિ આપવામાં આવવી જોઈએ.
ન્યૂ મેક્સિકોના એટોર્ની જનરલ રાઉલ ટોરેજ અને એરિજોના, મિશિગન, મેરીલેન્ડ, મિનેસોટા, કેલિફોર્નિયા, નેવાદા, વર્મોટ, કનેક્ટિકટ, રોડ આઇલેન્ડ, મૈસાચુસેટ્સ, ઓરેગન, વોશિંગ્ટન અને હવાઈના અધિકારીઓ દ્વારા દાખલ કેસમાં કહેવામાં આવ્યું છે કે, લોકશાહી માટે આનાથી મોટો કોઈ ખતરો નથી કે રાજ્યની શક્તિ એકલા બિનચૂંટાયેલા વ્યક્તિના હાથમાં સોંપી દેવાઈ. આમ ટ્રમ્પ અને મસ્ક હવે અદાલતી જંગમાં પરોવાયા છે.