ચક્રવાત ફેંગલથી શું થઈ હાલત ? કેટલાના મોત થયા ? જુઓ
તામિલનાડુ, પૂડુચેરી, આંધ્ર અને કર્ણાટકમાં ભારે વરસાદ; સેનાએ સેંકડો લોકોને બચાવ્યા : 90 કિમીની રફ્તાર હતી; ભૂસ્ખલનથી પરિવહન ઠપ્પ
ખતરનાક ફેંગલ ચક્રવાત શનિવારે રાત્રે તામિલનાડુ અને પૂડુચેરી તટ સાથે ટકરાઇ ગયું હતું. આ દરમિયાન તેની રફતાર 90 કિમી પ્રતિ કલાકની રહી હતી. તોફાનને લીધે તામિલનાડુ, પૂડુચેરી, કર્ણાટક આંધ્ર પ્રદેશમાં ભારે વરસાદ રહ્યો હતો અને રવિવારે પણ ચાલુ જ રહ્યો હતો. આ તોફાનને કારણે સર્જાયેલી ઘટનાઓમાં 4 લોકોના મોત થયા હતા. સેનાએ સેંકડો લોકોને બચાવ્યા હતા.
આ રાજ્યોમાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. વરસાદ સોમવાર સુધી એટલે કે કે આજે પણ ચાલુ જ રહેશે તેવી આગાહી હવામાન વિભાગે કરી હતી. આ રાજ્યોમાં હાઇએલર્ટ ચાલુ જ રાખવામાં આવ્યું હતું. બધી જ સ્કૂલ કોલેજો બંધ રખાઇ હતી.
ભારે વરસાદને લીધે તિરૂમાળા ઘાટ રોડ પર ભૂસ્ખલન થઈ ગયું હતું અને તેને પગલે ટ્રાફિક ખોરવાઇ ગયો હતો. ચેન્નાઈમાં વિમાની સેવા બંધ કરી દેવાઈ હતી. રનવે પર પાણી ભરાઈ જતાં વિમાની સેવા ખોરવાઇ ગઈ હતી. હજારો મુસાફરો રઝળી પડ્યા હતા.
તોફાન અને ભારે વરસાદને પગલે માર્ગો પર વાહન વ્યવહાર થંભી ગયો હતો અને પરિવહન સેવા પણ ખોરવાઇ ગઈ હતી. બચાવ રાહત માટે સરકાર અને સામાજિક સેવા સંગઠનો અલગ અલગ વિસ્તારોમાં લોકોને મદદ કરતાં હતા.
તામિલનાડુમાં તટિય વિસ્તારોમાંથી 1600થી વધુ લોકોને બચાવીને રાહત શિબિરોમાં લઈ જવાયા હતા જ્યાં સામાજિક સંગઠનોએ ભોજન અને પાણી આપ્યા હતા. પૂડુચેરીના મુખ્યમંત્રી રંગાસ્વામીએ પ્રભાવિત ક્ષેત્રોનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું અને તંત્રને સૂચનાઓ આપી હતી.