આપ અને કોંગ્રેસ વચ્ચે શું થયું ? વાંચો
કોને કેટલી બેઠકો ?
લોકસભાની ચૂંટણી માટે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે બેઠકોની વહેંચણીને લઈને ડીલ ફાઈનલ થઇ ચૂકી છે. મુકુલ વાસનિકે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે આમ આદમી પાર્ટી દિલ્હીમાં 4 બેઠકો પર લડશે જ્યારે કોંગ્રેસ 3 બેઠક પર લડશે.
ચંડીગઢમાં લોકસભા સીટ અને ગોવાની બંને સીટો પર કોંગ્રેસ જ તેના ઉમેદવારો ઉતારશે. જ્યારે હરિયાણામાં 9 સીટો પર કોંગ્રેસ અને 1 સીટ પર આમ આદમી પાર્ટી ચૂંટણી લડશે. મહત્ત્વપૂર્ણ એ છે કે ગુજરાતમાં આમ આદમી પાર્ટી બે સીટ તથા કોંગ્રેસ 24 બેઠક પર લડવા માટે સહમત થઈ ગયા છે. આમ 5 રાજ્યોમાં બંને વચ્ચે સમજૂતી થઈ હતી. જો કે પંજાબમાં કોઈ જોડાણ થયું નથી.
આપ તરફથી આતિશી, સંદીપ પાઠક અને સૌરભ ભારદ્વાજ, કોંગ્રેસ તરફથી મુકુલ વાસનિક, દીપક બાબરિયા અને અરવિંદર સિંહ લવલીએ પ્રેસ કોન્ફરન્સમાં હાજરી આપી હતી. કોંગ્રેસના નેતા મુકુલ વાસનિકે કહ્યું કે ઈન્ડિયા ગઠબંધનમાં સમાવિષ્ટ પક્ષો વચ્ચે બેઠકોની વહેંચણી અંગે ચર્ચા થઈ છે.
આમ આદમી પાર્ટી દિલ્હીમાં નવી દિલ્હી, પશ્ચિમ દિલ્હી, દક્ષિણ દિલ્હી અને પૂર્વ દિલ્હી લોકસભા બેઠકો પરથી ચૂંટણી લડશે. જ્યારે કોંગ્રેસ ઉત્તર પૂર્વ, ઉત્તર પશ્ચિમ અને ચાંદની ચોક બેઠકો પર ચૂંટણી લડશે. ગુજરાતમાં આમ આદમી પાર્ટી ભરૂચ અને ભાવનગર લોકસભા બેઠક પરથી ચૂંટણી લડશે. જ્યારે હરિયાણામાં તે કુરુક્ષેત્ર લોકસભા સીટ પરથી પોતાનો ઉમેદવાર ઉતારશે. ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલા લખનઉમાં સપા-કોંગ્રેસ ગઠબંધનની જાહેરાત કરવામાં આવી હતી.
ગુજરાતમાં કોંગ્રેસ અને આપ પણ સાથે મળીને ચૂંટણી લડશે. ગુજરાતની 26 લોકસભા બેઠકોમાંથી, કોંગ્રેસ 24 બેઠકો પર ચૂંટણી લડશે, જ્યારે આપ ભરૂચ અને ભાવનગરમાં બેઠક પરથી ચૂંટણી લડશે.