અમેરિકામાં ઇઝરેલના દૂતાવાસ પાસે શું બબાલ થઈ ? વાંચો
દુનિયાના વિવિધ દેશોમાં ઈઝરાયેલના વિરોધમાં અને સમર્થનમાં હજી પણ દેખાવો અને દલીલો ચાલુ જ રહ્યા છે અને દુનિયાના દેશો વચ્ચે આ બાબતે મતભેદો સપાટી પર આવી ચૂક્યા છે ત્યારે અમેરિકામાં એક અપ્રિય ઘટના બની હતી.
એટલાન્ટા શહેરમાં આવેલા ઈઝરાયેલના વાણિજ્ય દૂતાવાસની બહાર પેલેસ્ટાઈન સમર્થક એક મહિલાએ પેલેસ્ટાઈનના ઝંડા સાથે પોતાની જાતને આગ લગાવીને વિરોધ કર્યો હતો. આ મહિલા ગંભીર રીતે દાઝી ગઈ હતી અને હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી છે.
આ મહિલા જ્યારે આત્મવિલોપન કરી રહી હતી ત્યારે ત્યાં હાજર સિક્યુરિટી ગાર્ડે તેનો જીવ બચાવવાનો પ્રયત્ન કર્યો હતો અને તેમાં તે પણ દાઝી ગયો હતો અને તેની હાલત પણ ગંભીર હોવાનુ જાણવા મળ્યુ છે.
એટલાન્ટા પોલીસે કહ્યુ હતુ કે, કટ્ટર રાજકીય સમર્થન આપવાના ભાગરુપે આ ઘટના બની હોય તેમ લાગી રહ્યુ છે. ઈઝરાયેલના વાણિજ્ય દૂતાવાસની આસપાસ બીજી પણ ઘણી વ્યવસાયિક ઈમારતો છે. દેખાવકાર મહિલા દૂતાવાસ સામે પહોંચી હતી અને પોતાના શરીર પર પેટ્રોલ છાંટીને આગ લગાવી દીધી હતી. દૂતાવાસની ઈમારત તો સુરક્ષિત હોવાથી તેના પર ખતરાનો કોઈ સવાલ નહોતો.