દિલ્હી મેટ્રો સ્ટેશન પર શું થયું ? વાંચો
આજે લોકસભાની ચુંટણી માટે ચોથા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે ત્યારે તેના એક દિવસ પહેલા રવિવારે ફરી દેશના દુશ્મનો બેઠા થયા હતા અને ઉશ્કેરણી કરવામાં આવી હતી. દિલ્હીમાં મેટ્રો સ્ટેશન પર ‘ખાલિસ્તાન ઝિંદાબાદ’ના સૂત્રો લખેલાં મળતાં ખળભળાટ મચી ગયો હતો. આ સૂત્રો લખારનું નામ હજુ સુધી સામે આવ્યું નથી, પરંતુ આ મામલે પોલીસે તપાસ શરૂ કરી દીધી હતી. ચુંટણી વખતે જ દેશમાં ખાલિસ્તાની ચળવળ શરૂ કરવાનો પ્રયાસ થયો છે.
મીડિયા રિપોર્ટ મુજબ અમેરિકામાં બેઠેલા કુખ્યાત સિખ આતંકી પન્નુંએ સોશ્યલ મીડિયા પર પોસ્ટ મૂકીને એવી કબૂલાત કરી છે કે તેના ઇશારે જ દિલ્હીમાં મેટ્રો સ્ટેશન પર સૂત્રો લખાયા છે.
‘ખાલિસ્તાન ઝિંદાબાદ’ના સૂત્રો લખેલા હોવાની માહિતી મળ્યા બાદ પોલીસે મેટ્રો સ્ટેશન પહોંચી કાર્યવાહી શરૂ કરી દીધી હતી. . આ ઉપરાંત ત્યાં લખેલા દેશ વિરોધી સૂત્રોને પણ દૂર કરી દેવાયા હતા. પોલીસે સ્ટેશન પર સૂત્રો લખનાર વ્યક્તિની શોધખોળ શરૂ કરી દીધી હતી તેમજ સીસીટીવી ફુટેજ પણ ચેક કરાયા હતા.
‘ખાલિસ્તાન ઝિંદાબાદ’ સૂત્રકાંડમાં અમેરિકાના બેઠેલા કુખ્યાત ખાલિસ્તાની આતંકવાદી ગુરુપવંત સિંહ પન્નૂનું નામ આવ્યું હતું. તેણે સોશિયલ મીડિયા પર કહ્યું કે, દિલ્હી મેટ્રો સ્ટેશન પર આ સૂત્રો મારા ઈશારે લખાયા છે. દિલ્હી પોલીસ અને મેટ્રો પોલીસે આ મામલે કેસ નોંધ્યો છે અને વધુ તપાસ શરૂ કરી દીધી છે.
જો કે આ પહેલા પણ દિલ્હીમાં ચાલુ વર્ષે માર્ચ માસમાં મેટ્રો સ્ટેશનો પર આ પ્રકારના સૂત્રો લખવામાં આવ્યા હતા. એ વખતે પણ દિલ્હી પોલીસે કેસ દાખલ કર્યો હતો.