મણિપુરમાં ફરી શું થયું ? કોની હત્યા થઈ ? વાંચો
મણિપુર છેલ્લા એક વર્ષથી હિંસાની આગમાં સળગી રહ્યું છે. સ્થિતિ સામાન્ય થવાના સંકેત દેખાતા નથી. આ દરમિયાન રાજ્યના કાકચિંગ જિલ્લામાં મોટી ઘટના સામે આવી હતી. શનિવારે સાંજે કેટલાક અજાણ્યા બંદૂકધારીઓએ પરપ્રાંતિય કામદારોની ગોળી મારીને હત્યા કરી હતી. પોલીસે આ માહિતી આપી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના કાકચિંગ-વાબગાઈ રોડ પર કેરકમાં પંચાયત ઓફિસ પાસે સાંજે લગભગ 5.20 વાગ્યે બની હતી.
માર્યા ગયેલા બંને કામદારો બિહારના રહેવાસી હતા, જેમની ઓળખ સુનાલાલ કુમાર (18) અને દશરથ કુમાર (17) તરીકે થઈ છે, જે ગોપાલગંજ જિલ્લાના રાજવાહી ગામના રહેવાસી છે. બંને બાંધકામ મજૂર હતા અને મેઇતેઈ પ્રભુત્વ ધરાવતા કાકચિંગ જિલ્લામાં ભાડાના મકાનમાં રહેતા હતા. પોલીસે જણાવ્યું કે આ ઘટના પાછળના લોકોની હજુ સુધી ઓળખ થઈ શકી નથી.
ઘટના બાદ સ્થિતિ તંગ બની હતી
આ ઘટનાને પગલે ફરી એકવાર સ્થિતિ તંગ બની છે અને લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. પોલીસ આ ઘટનામાં સંડોવાયેલા લોકોની ઓળખ કરવામાં વ્યસ્ત છે. પોલીસ નજીકના લોકોની પૂછપરછ કરી રહી છે. તેમજ આવતા-જતા લોકો પર નજર રાખવામાં આવી રહી છે.