કેન્દ્રીય કર્મીઓને શું મળી શકે છે ખુશખબર ? જુઓ
કેની વિચારણા થઈ શકે છે ?
કેન્દ્રીય કર્મીઓને લોકસભાની ચુંટણી સમાપ્ત થયા બાદ ખુશખબરી મળી શકે છે . એમના મોંઘવારી ભથ્થામાં વધારો તો થવાનો જ છે પણ એનાથી પણ મોટી વાત એ છે કે ચુંટણી બાદ કેન્દ્ર સરકાર 8 મા વેતન પંચની રચના કરવા અંગે ગંભીરતાથી વિચાર કરી શકે છે.
4 થી જૂને લોકસભાની ચુંટણીના પરિણામ જાહેર થવાના છે અને ત્યાર બાદ નવી સરકાર રચાયા બાદ કેન્દ્રીય કર્મીઓને મોંઘવારી ભથ્થામાં વધારો મળશે અને ઘણા લાંબા સમયથી જેની ચર્ચા ચાલી રહી છે તે 8 મા વેતન પંચની રચના અંગે પણ કોઈ મહત્વનો નિર્ણય લેવાઈ શકે છે તેમ વિશ્વાસપાત્ર વર્તુળોએ જણાવ્યું છે.
પરંપરા એવી રહી છે કે એક કેન્દ્રીય વેતન પંચ સામાન્ય રીતે 10 વર્ષના સમયગાળા બાદ રચાતો હોય છે. જો કે આ પહેલા મોદી સરકારે સંસદમાં એવી જાહેરાત કરી હતી કે 8 મા વેતન પંચની રચના અંગેનો કોઈ પ્રસ્તાવ આવ્યો નથી.
પરંતુ હવે એવા સમાચાર બહાર આવ્યા છે કે નવી સરકારની રચના બાદ 8 માં વેતન પંચની રચના અંગે ગંભીરતાથી વિચારણા થવાની છે. આમ નવી સરકાર બાદ કેન્દ્રીય કર્મીઓને ડબલ સારા સમાચાર મળે તેવી શક્યતા હોવાનું મનાય છે. જો કે અત્યારે તો ચુંટણી પ્રચાર ચાલે છે માટે આવી કોઈ જાહેરાત થઈ શકે એમ નથી.
મોદી સરકારના અંતરંગ વર્તુળો દ્વારા આ મુજબનો સંકેત આપવામાં આવ્યો છે. કેન્દ્રના કાર્મિક અને પેન્શન મંત્રાલય દ્વારા આ પ્રકારની હલચલ કરવામાં આવી હોવાનું પણ ચર્ચાય છે ત્યારે ચુંટણી બાદ મહત્વની જાહેરાત થઈ શકે છે તે લગભગ નક્કી મનાઈ રહ્યું છે.