કેન્દ્ર સરકારે કર્મીઓને શું આપી ગિફ્ટ ? કેબિનેટે કયા મહત્વના નિર્ણય લીધા ? જુઓ
કેન્દ્રીય કેબિનેટે બુધવારે દિવાળી ગિફ્ટ આપીને કેન્દ્ર સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાનો વધારો કરવાની મંજૂરી આપી હતી. આ વધારો 1 જુલાઈ, 2024થી લાગુ થશે. માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે આ માહિતી આપી હતી. આ ઉપરાંત અન્ય કેટલાક મહત્વના નિર્ણય પણ લેવાયા હતા. ગંગા પર નવો વિશાળકાય પૂલ બનાવવાની દરખાસ્તને મંજૂરી અપાઈ હતી. રવિ સિઝનના 6 પાક માટે ટેકાના ભાવમાં વધારો કરાયો હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. કેન્દ્રીય મંત્રી વૈષ્ણવે કેબિનેટની બેઠક બાદ કહ્યું કે દિવાળી પહેલા કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થું અને પેન્શનરો માટે મોંઘવારી રાહત ડીઆર વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
કેબિનેટના નિર્ણય હેઠળ, પગાર મેળવનારા કર્મચારીઓના મૂળ પગારમાં 3%નો વધારો કરવામાં આવશે., જેમને પેન્શન મળે છે, તેમની પેન્શનની રકમમાં 3%નો વધારો કરવામાં આવશે.
કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે 3%નો વધારો કેન્દ્ર સરકારમાં કામ કરતા તમામ કેન્દ્રીય કર્મચારીઓને આપવામાં આવશે. આ ડીએ/ડીઆર વધારાથી કેન્દ્ર સરકારની તિજોરી પર રૂ. 9,448 કરોડનો બોજો વધશે.
ગંગા પર મહાકાય પુલ બનશે; રૂપિયા 2642 કરોડનો ખર્ચ
કેબિનેટે વારાણસી પંડિત દીન દયાલ ઉપાધ્યાય જંકશન માર્ગ પર ગંગા નદી પર પુલ બનાવવાની દરખાસ્તને મંજૂરી આપી હતી. જેમાં ટ્રેનો અને સામાન્ય પરિવહન બંને ચાલી શકશે. આ પ્રોજેક્ટ હેઠળ બ્રિજમાં 2 લેવલ હશે. નીચલા સ્તરે 4 રેલ લાઇન આપવામાં આવશે, જ્યારે ટોચ પર 6 લેનનો ટ્રેક હશે. 2642 કરોડના ખર્ચનો આ પુલ લગભગ 4 વર્ષમાં પૂર્ણ થશે. તેના માટે રૂપિયા 2642 કરોડનો ખર્ચ થશે. આ કોરિડોર ઈસ્ટ-વેસ્ટને જોડશે અને વિકાસ ગતિશીલ બનશે.
અનાજના ટેકાના ભાવ વધાર્યા
કેબિનેટે માર્કેટિંગ વર્ષ 2025-26 માટે 6 મુખ્ય રવિ પાકો માટે એમએસપીમાં વધારાને મંજૂરી આપી હતી. આ પાકો ઘઉં, જવ, ચણા, મસૂર, સરસવ વગેરે છે. ઘઉંની એમએસપી 150 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ વધારીને 2425 રૂપિયા કરવામાં આવી છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે માહિતી આપી હતી કે ઘઉંના મામલામાં હવે ઉત્પાદન ખર્ચ કરતાં 105 ટકા વધુ એમએસપી આપવામાં આવી રહી છે. આ સિવાય જવના એમએસપીમાં 130 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ, ચણાના એમએસપીમાં 210 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ, મસૂરના એમએસપીમાં 275 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ અને સરસવના એમએસપીમાં 300 રૂપિયા પ્રતિ ક્વિન્ટલનો વધારો થયો છે