નેશનલ ટેસ્ટિંગ એજન્સી પાસેથી કઈ કામગીરી પાછી લઈ લેવાઈ ? વાંચો
નીટ યુજી-૨૦૨૪ અને યુજીસી નેટમાં ગેરરીતિઓ સામે આવ્યા પછી, કેન્દ્ર સરકારે એનટીએની કાર્યશૈલી સુધારવા અને તેના દ્વારા આયોજિત પ્રવેશ પરીક્ષાઓના પારદર્શક, સરળ અને ન્યાયી સંચાલનને સુનિશ્ચિત કરવા માટે એક સમિતિની રચના કરી હતી. આ સમિતિએ ઘણા સુધારાની ભલામણ કરી હતી, જેને ધ્યાનમાં લેતા નેશનલ ટેસ્ટિંગ એજન્સીની કામગીરીમાં સુધારો કરવા માટે કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો હતો અને તેની પાસેથી મહત્વની જવાબદારી છીનવી લેવાઈ છે.
કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને મંગળવારે જાહેરાત કરી હતી કે, ‘વર્ષ 2025થી, એનટીએ માત્ર ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે પ્રવેશ પરીક્ષાઓ જ લેશે. એનટીએ આવતા વર્ષથી ભરતી પરીક્ષાઓ આયોજિત કરશે નહીં. નવા વર્ષે એનટીએનું પુનર્ગઠન કરવામાં આવશે. પરીક્ષા એજન્સીમાં 10 નવી જગ્યાઓ બનાવવામાં આવશે.’
કેન્દ્રીય મંત્રીએ વધુમાં કહ્યું કે, ‘સરકાર નજીકના ભવિષ્યમાં કોમ્પ્યુટર આધારિત પરીક્ષા અને ટૅક્નોલૉજી આધારિત પ્રવેશ પરીક્ષા તરફ આગળ વધવા માંગે છે. મેડિકલ એન્ટ્રન્સ માટે નીટ યુજી પરીક્ષા પેન-પેપર મોડમાં જ આયોજિત કરવી કે કેમ તે અંગે આરોગ્ય મંત્રાલય સાથે વાતચીત ચાલી રહી છે.’
સિયુઇટી યુજી દ્વારા દેશની 260થી વધુ યુનિવર્સિટીઓ જેમ કે ડિયુ, જામિયા, અલ્હાબાદ યુનિવર્સિટીના સ્નાતક અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવી શકાય છે. આ અંગે કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પણ સ્પષ્ટ કર્યું કે કોમન યુનિવર્સિટી એન્ટ્રન્સ ટેસ્ટ વર્ષમાં માત્ર એક જ વાર લેવામાં આવશે.