રિઝર્વ બેન્કે નાણા નીતિ જાહેર કરતાં કેવી સુવિધાઓ આપી ? જુઓ
દેશમાં યુપીઆઈની વધતી જતી લોકપ્રિયતાને ધ્યાનમાં રાખીને અને તેને વધુ પ્રમોટ કરવા માટે, રિઝર્વ બેંકએ યુપીઆઈ લાઇટ વૉલેટ મર્યાદા રૂ. 2,000 થી વધારીને રૂ. 5,000 અને પ્રતિ ટ્રાન્ઝેક્શન મર્યાદા રૂ. 1,000 કરવાની દરખાસ્ત કરી છે.
બુધવારે દ્વિમાસિક નાણાકીય નીતિ સમીક્ષા રજૂ કરતા, બેન્કના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે સતત નવીનતા અને સ્વીકૃતિ સાથે, યુપીઆઈએ ડિજિટલ ચૂકવણીને સરળ અને સમાવિષ્ટ બનાવીને દેશના નાણાકીય લેન્ડસ્કેપને બદલી નાખ્યું છે.
તેમણે કહ્યું, “તેના ઉપયોગને વધુ પ્રોત્સાહિત કરવા અને તેને વધુ સમાવિષ્ટ બનાવવા માટે, યુપીઆઈ-123 પેમેન્ટ્સમાં પ્રતિ ટ્રાન્ઝેક્શન મર્યાદા રૂ. 5,000 થી વધારીને રૂ. 10,000 કરવાની દરખાસ્ત કરવામાં આવી છે.” યુપીઆઈ વોલેટની મર્યાદા રૂ. 2,000થી વધારીને રૂ. 5,000 અને પ્રતિ ટ્રાન્ઝેક્શન મર્યાદા રૂ. 1,000 કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
હાલમાં યુપીઆઈ લાઇટ વૉલેટની મર્યાદા 2,000 રૂપિયા પ્રતિ ટ્રાન્ઝેક્શન અને 500 રૂપિયા પ્રતિ ટ્રાન્ઝેક્શન છે. આરબીઆઇના નિવેદન અનુસાર, ઑફલાઇન ડિજિટલ માધ્યમો દ્વારા નાના મૂલ્યની ચુકવણીની સુવિધા આપવા માટે યુપીઆઈ લાઇટ સંબંધિત રિઝર્વ બેંકના માળખામાં યોગ્ય સુધારા કરવામાં આવશે.
10મી વાર વ્યાજ દર યથાવત
બુધવારે રિઝર્વ બેન્કની એમપીસીની બેઠક બાદ ગવર્નર શક્તિકાન્ત દાસે નાણા નીતિની જાહેરાત કરી હતી અને સતત 10 મી વાર વ્યાજ દર યથાવત રાખ્યા હતા. રેપો રેટ 6.5 ટકા પર જ રાખ્યો છે. જો કે આગામી બેઠકમાં વ્યાજ દરમાં ફેરફારનો સંકેત પણ આપ્યો હતો. એમણે નીતિ જાહેર કરતાં એમ પણ કહ્યું હતું કે આવનારા મહિનાઓમાં ફૂડ ફુગાવો નિયંત્રિત થવાની આશા છે. આમ લોકોની ઈએમઆઈમાં ઘટાડો થયો નથી.
એનબીએફસીને આકરી ચેતવણી
દરમિયાનમાં રિઝર્વ બેન્કના ગવર્નર દાસે નોન બેન્કિંગ નાણાકીય કંપનીઓને સખત શબ્દોમાં ચેતવણી આપતા કહ્યું હતું કે ખોટા રસ્તા અપનાવીને ઝડપથી આગળ વધવાના પ્રયાસ થશે તો આકરા પગલાં લેવામાં આવશે. જોખમ સામે સુરક્ષા રાખ્યા વિના વ્યવહાર થઈ રહ્યાની ફરિયાદો મળી છે અને હવે આવી કંપનીઓએ કાયદેસર જ કામ કરવું પડશે નહિતર સખત કાર્યવાહી થશે.
ફ્લોટિંગ રેટ લોન માટે પ્રિ-પેમેન્ટ ચાર્જ નહીં
શક્તિકાન્ત દાસે એક મોટું એલાન કરીને કહ્યું હતું કે હવેથી ફ્લોટિંગ રેટ લોન માટે પ્રિ-પેમેન્ટ ચાર્જ નહીં દેવો પડે. એનબીએફસી દ્વારા આ પ્રકારની લોન અપાય છે. ફ્લોટિંગ વ્યાજદર માર્કેટની સ્થિતિના આધારે નક્કી થાય છે. એનબીએફસી અત્યાર સુધી ફ્લોટિંગ લોનના પ્રિ-ક્લોઝર માટે ચાર્જ વસુલતા હતા. આમ સમય પહેલા લોન ચૂકતે કરનારા લોકોને મોટી રાહત મળી છે.
