એનડીએમાં શું ચર્ચા શરૂ થઈ ? કોણે શું કહ્યું ? જુઓ
લોકસભાની ચુંટણીના પરિણામ બહાર આવ્યા બાદ એનડીએ સરકાર રચાઇ ગઈ છે ત્યારે હવે રહી રહીને એનડીએના સાથી પક્ષોને વાંકું પડી રહ્યું છે અને સીટ ઓછી આવવા માટે તેઓ હવે 400 પારના નારાને જવાબદાર ગણાવી રહ્યા છે. મહારાષ્ટ્રના સીએમ શિંદે દ્વારા આવું નિવેદન થયા બાદ જનતા દળ યુના નેતા ત્યાગીએ પણ એમ કહ્યું હતું કે 400 પારના સૂત્રને લીધે બેઠકો ઘટી ગઈ છે.
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ લોકસભા ચૂંટણીમાં રાજ્યમાં ભાજપના ખરાબ પ્રદર્શન પર ટિપ્પણી કરી છે. શિંદેએ કહ્યું કે આ વખતે ‘400 પારના નારાથી જ પાર્ટીને નુક્સાન થયું છે’. તો વિપક્ષે લોકો સમક્ષ ખોટો પ્રચાર કર્યો હતો કે જો એનડીએ 400થી વધુ બેઠકો જીતશે તો બંધારણમાં ફેરફાર જોવા મળશે. આ મુદ્દો લોકોમાં ચર્ચાનો વિષય બન્યો હતો. આ વાત કેટલાક લોકોના મનમાં અટવાઈ ગઈ અને મહારાષ્ટ્રમાં પાર્ટીને આનો માર સહન કરવો પડ્યો હતો.
મુખ્યમંત્રી શિંદેએ મુંબઈમાં કમીશન ફોર એગ્રીકલ્ચરલ કોસ્ટ્સ એન્ડ પ્રાઈસની બેઠકમાં કહ્યું કે લોકોને લાગે છે કે એનડીએને 400થી વધુ બેઠકો મળે તો બંધારણ સાથે છેડછાડ થઈ શકે છે. સીએસીપીની બેઠકમાં સીએમ શિંદેએ કહ્યું કે જો ખેડૂતો નાખુશ હોય તો કોઈ ખુશ ન રહીં શકે. તેમણે એમ પણ કહ્યું કે તેઓ કેન્દ્રીય કૃષિમંત્રીને મળશે અને ડુંગળી, કપાસ અને સોયાબીનના લઘુત્તમ ટેકાના ભાવની માંગણી કરશે.
જદ યુના નેતા કે. સી . ત્યાગીએ પણ બરાબર આવા જ શબ્દોનો પ્રયોગ કરીને નિવેદન કરતાં એનડીએમાં એક નવી જ ચર્ચા જાગી પડી છે. જો કે હજુ સુધી ભાજપ દ્વારા આ બારામાં કોઈ પ્રતિક્રિયા અપાઈ નથી.